હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ ભારે સંકટમાં મૂકાયો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કોમર્શિયલ ગેસની અછત, PNG કનેક્શનની પ્રક્રિયા ધીમી

આ પરિસ્થિતિને કારણે શહેરના અનેક રેસ્ટોરન્ટ્સ અને ઢાબા બંધ થવાના આરે છે, અને જે હજુ પણ ચાલુ છે તેમને પણ ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

વડોદરા શહેરમાં હાલ કોમર્શિયલ ગેસની અછત અને તેના બેફામ ભાવ વધારાને કારણે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ ભારે સંકટમાં મુકાયો છે. એક તરફ જ્યાં ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ PNG કનેક્શન મેળવવામાં પણ વ્યાપારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે શહેરના અનેક રેસ્ટોરન્ટ્સ અને ઢાબા બંધ થવાના આરે છે, અને જે હજુ પણ ચાલુ છે તેમને પણ ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.


વડોદરા શહેરની ગલીઓ અને મુખ્ય માર્ગો પર એક સમયે ધમધમતી રેસ્ટોરન્ટ્સ અને ઢાબા આજે મૂંઝવણ અને ચિંતામાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. શહેરમાં જ્યાં ખાણીપીણી માટે લોકોની ભીડ ઉમટી પડતી હતી, ત્યાં આજે અનેક દુકાનો પર ગેસની અછત હોવાથી રેસ્ટોરન્ટ બંધ છે. જેવા બોર્ડ લાગેલા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો શહેરના બદલાતા આર્થિક ચિત્રની ચાડી ખાય છે.

કનેક્શન મેળવવાની પ્રક્રિયા લાંબી અને ધીમી

કોમર્શિયલ ગેસના ભાવમાં થયેલો અસહ્ય વધારો, જેણે ૨૫૦૦ રૂપિયાના સિલિન્ડરને સીધો ૫૦૦૦ રૂપિયાનો કરી દીધો છે, તે નાના અને મધ્યમ વ્યાપારીઓની કમર તોડી રહ્યો છે. દૈનિક ધોરણે ચાલતા રેસ્ટોરન્ટ્સ અને ઢાબા માટે આટલા ઊંચા ખર્ચે ગેસ ખરીદીને ધંધો ચલાવવો અશક્ય બની ગયો છે. ઘણા વ્યાપારીઓએ તો ગ્રાહકોને પીરસાતી વાનગીઓના ભાવ વધાર્યા છે, જેના કારણે ગ્રાહકો પણ મોંઘવારીનો માર ભોગવી રહ્યા છે અને વેચાણ પણ ઘટ્યું છે.

આ સ્થિતિમાં રેસ્ટોરન્ટ માલિકોની એકમાત્ર આશા કનેક્શન પર ટકેલી છે.LPG ગેસ સિલિન્ડરની સરખામણીમાં સસ્તો અને સતત પુરવઠો પૂરો પાડે છે, જે વ્યાપારીઓ માટે એક મોટી રાહત બની શકે છે. પરંતુ આશાની કિરણ પણ અહીં ઝાંખી પડી રહી છે. કનેક્શન મેળવવાની પ્રક્રિયા લાંબી અને ધીમી હોવાથી વ્યાપારીઓ નિરાશ થઈ રહ્યા છે.

રેસ્ટોરન્ટ અને હોટલ ઉદ્યોગની આ ગંભીર સમસ્યા અંગે વડોદરા ગેસ લિમિટેડ (ફય્ન્)ના અધિકારીનો સંપર્ક કરતા તેમણે પરિસ્થિતિની ગંભીરતા સ્વીકારી, પરંતુ સાથે સાથે કેટલાક વ્યવહારિક પડકારો પણ રજૂ કર્યા હતા. ફય્ન્ના અધિકારીએ જણાવ્યું કે, વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાફની મર્યાદાઓને કારણે શહેરમાં રોજના માત્ર ૨ થી ૩ કોમર્શિયલ કનેક્શન જ આપી શકાય તેવી વ્યવસ્થા છે.

આટલી ઓછી ક્ષમતા સામે માંગ ખૂબ જ ઊંચી છે. હાલમાં ૧૦૦ થી વધુ વ્યાપારીઓએ કોમર્શિયલ કનેક્શન માટે ડિપોઝિટ ભરી દીધી છે અને તેઓ કનેક્શનની રાહ જોઈ રહ્યા છે. જ્યારે અન્ય ૧૦૦ થી વધુ વ્યાપારીઓ વેઇટિંગ લિસ્ટમાં છે. આનો અર્થ એ છે કે, જે વેપારીઓએ આજે અરજી કરી છે તેમને કનેક્શન મળતા મહિનાઓ કે વર્ષો પણ લાગી શકે છે.

આ ઉપરાંત અધિકારીઓએ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો પણ પ્રકાશિત કર્યો. તેમણે જણાવ્યું કે સરકાર તરફથી તેમને સ્પષ્ટ સૂચનાઓ છે કે ઘરેલું ગેસ (ડોમેસ્ટિક) કનેક્શનને પ્રાથમિકતા આપવામાં આવે. આ સૂચના પાછળનું કારણ એ છે કે ઘરેલું ગ્રાહકોની જરૂરિયાત વધુ પાયાની અને વ્યાપક હોય છે.

આ નીતિને કારણે, ઘરેલું કનેક્શનની ફાળવણીમાં ઝડપ જોવા મળે છે. ઉદાહરણ તરીકે, માત્ર માર્ચ મહિનામાં ઘરેલું ગેસ માટે ૩૮૦૦ નવી અરજીઓ આવી હતી, અને ચાલુ મહિનાના માત્ર ૬ દિવસમાં જ ૧૮૦૦ અરજીઓ આવી ચૂકી છે.

ઘરેલું કનેક્શન રોજના સરેરાશ ૧૫૦ના દરે આપવામાં આવે છે, જે કોમર્શિયલ કનેક્શનની સરખામણીમાં અનેક ગણું વધારે છે. કોમર્શિયલ કનેક્શનમાં તાત્કાલિક વધારો કરવો શા માટે મુશ્કેલ છે તે અંગે પૂછવામાં આવતા, અધિકારીએ જણાવ્યું કે પાઇપલાઇન નેટવર્ક વિસ્તૃત કરવું, નવા સ્ટાફની ભરતી કરવી, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવું એ સમય માંગી લેતી પ્રક્રિયાઓ છે. આ ઉપરાંત, સલામતીના ધોરણો અને નિયમનકારી મંજૂરીઓ પણ તેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

એક તરફ જ્યાં વ્યાપારીઓ ઊંચા ભાવે ગેસ ખરીદવા મજબૂર છે અથવા તો પોતાના ધંધા બંધ કરવાની સ્થિતિમાં મુકાયા છે, ત્યાં બીજી તરફ કનેક્શન મેળવવામાં પણ તેમને લાંબી અને અનિશ્ચિત રાહ જોવી પડી રહી છે. આ પરિસ્થિતિ માત્ર વ્યાપારીઓને જ નહીં, પરંતુ તેમના પર ર્નિભર અનેક કર્મચારીઓને પણ અસર કરી રહી છે, જેમના રોજગાર પર પ્રશ્નાર્થ લાગી ગયો છે.

આ સંકટમાંથી બહાર આવવા માટે તાત્કાલિક ધોરણે કોમર્શિયલ ગેસનો પુરવઠો સુનિશ્ચિત કરવો, ભાવ નિયંત્રણમાં લાવવા અને કનેક્શનની પ્રક્રિયાને ઝડપી બનાવવી એ સમયની માંગ છે. જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે, તો વડોદરાની ખાણીપીણીની ઓળખ જ નહીં, પરંતુ શહેરના આર્થિક માળખા પર પણ ગંભીર નકારાત્મક અસર પડી શકે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.