Last Updated on by Sampurna Samachar
દંડની રકમ રૂપિયા ૨૦૦ થી વધારીને ૧ લાખ કરવામાં આવી
બે વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત વિધાનસભામાં ‘ધ ગુજરાત સ્ટેમ્પ સુધારા ખરડો ૨૦૨૫’ રજૂ કરવામાં આવ્યો છે. આ સુધારા ખરડા અનુસાર ગુજરાત સ્ટેમ્પ GUJARAT STAMPS AMENDMENT BILL ૨૦૨૫ અધિનિયમ ૧૯૫૮ ની કલમ ૬૨-ક (૩) સાથે કલમ ૯-એની જોગવાઈનું પાલન ન કરનાર અથવા સ્ટેમ્પ ડ્યૂટી વસૂલીને સરકારમાં જમા કરાવવામાં નિષ્ફળ જનાર કે સ્ટેમ્પ ડ્યૂટી સંદર્ભે ખોટી માહિતી આપનારની દંડની રકમમાં ખાસો વધારો કરવામાં આવ્યો છે.
જોગવાઈનું પાલન ન કરવા બદલ દંડની રકમ હાલના રૂપિયા ૨૦૦ થી વધારીને ૧ લાખ કરવામાં આવી છે. આ રીતે કરવામાં આવતો દંડ ઓછામાં ઓછો ૧૦ હજાર રૂપિયા તો કરવો જ પડશે તેવી જોગવાઈ નવા સૂચિત સુધારા ખરડામાં દાખલ કરવામાં આવી છે. કલમ ૬૨-ક ની ૧, ૨, ૩ માં કરવામાં આવેલી નવી જોગવાઈ પ્રમાણે કેટલાક કિસ્સાઓમાં આ દંડની રકમ ૨૦૦ થી વધારીને ૫૦ હજાર રૂપિયા પણ કરી દેવામાં આવી છે. તેમ જ ઓછામાં ઓછી પેનલ્ટી ૧૦ હજાર કરી દેવાની ખરડામાં જોગવાઈ કરવામાં આવી છે. દંડની જંગી રકમ રાખીને તે રકમમાં ઘટાડો કરવાની કલેક્ટરને સલાહ આપવામાં આવી હતી.
વ્યક્તિ ગુનેગાર ઠરે ત્યારે તેને ૫ હજાર રૂપિયાનો દંડ
ખરડામાં કરવામાં આવેલા સુધારા અનુસાર કલમ ૬૨- કનો ભંગ કરવાના પહેલા ગુના માટે ૫૦૦ રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. જે તે વ્યક્તિ ગુનેગાર ઠરે ત્યારે તેને ૫ હજાર રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.
કલમ ૬૨-કની જોગવાઈનો બીજીવાર ભંગ કરવા બદલ ૧ હજાર રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ લાવવામાં આવી રહી છે. ત્રીજીવાર અને ત્યારબાદ આ ગુનો કરે તો ૨ હજાર રૂપિયાનો દંડ અને બે વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
મૃત્યુ પામેલાની મિલકતના વારસદાર પુત્ર કે પુત્રીને માત્ર ૨૦૦ રૂપિયાના સ્ટેમ્પ લખી આપીને અન્ય ડ્યૂટી ભર્યા વિના મિલકત ટ્રાન્સફર કરી આપવાની બજેટમાં જાેગવાઈ દાખલ કરવામાં આવી છે. આ જોગવાઈથી સરકારે જનતાને ખુશ કરી દીધી છે તો બીજી બાજુ કોઈ ચૂક થાય તો માટે જંગી રકમનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરી છે. આ જ રીતે આર્ટિકલ ૩૬માં સુધારો સૂચવીને તારણમાં આપેલી એટલે કે ગિરોખત કરી આપેલી મિલકત માટે ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયાનો દંડ કરવાની જોગવાઈમાં વધારો કરીને ૫ હજાર રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.