Last Updated on by Sampurna Samachar
નવા નિયમો સ્થાનિક તંત્રને નથી ખબર
સ્થાનિક તંત્ર જવાબદારીમાંથી છટકતુ હોવાની ચર્ચા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવેલ GPS સિસ્ટમ મામલે ખાણ–ખનિજ વિભાગની કામગીરીની ઉદાસીનતા સામે આવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે જિલ્લામાં કેટલા વાહનોમાં GPS લગાવવામાં આવ્યા છે તેની કોઈપણ માહિતી સ્થાનિક કચેરી પાસે ઉપલબ્ધ નથી.

જ્યારે સ્થાનિક ખાણ ખનીજ વિભાગનો સંપર્ક કરવામાં આવે છે. ત્યારે અધિકારીઓ આખી સિસ્ટમ ‘ગાંધીનગરથી ઓપરેટ થાય છે‘ તેમ કહીને હાથ અદ્ધર કરી દે છે. ખનીજ ઉત્પાદકો દ્વારા નવા કાયદાનો અમલ કઈ રીતે કરવો, તેની કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન પણ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ નથી. પરિણામે સ્થાનિક તંત્ર માહિતીના અભાવે પોતાની જવાબદારીઓમાંથી છટકી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
તંત્ર માત્ર એકાદ-બે કેસ કરીને સંતોષ માની લે છે
ખનીજ ઉત્પાદકોમાં ઉગ્ર રોષ છે કે સરકારના આ નવા નિયમોની સૌથી માઠી અસર પ્રામાણિકપણે રોયલ્ટી ભરીને વ્યવસાય કરતા વેપારીઓને થશે. ઉત્પાદકોના જણાવ્યા મુજબ જેઓ રોયલ્ટી પાસ મેળવીને કાયદેસર ખનન અને વહન કરે છે, તેઓ ટેકનિકલ આંટીઘૂંટીમાં ફસાશે.
બીજી તરફ, રોયલ્ટી વગર બેફામ ખનીજ ચોરી કરતા તત્વોને આ સિસ્ટમથી કોઈ ફરક પડવાનો નથી. આવી સ્થિતિમાં રોયલ્ટી ચોરી ઘટવાને બદલે વધવાની શક્યતા છે, કારણ કે કેટલાક ઉત્પાદકો GPS બંધ કરીને પણ બિન્ધાસ્ત વેપાર કરે તેવી વકી છે.
GPS સિસ્ટમના અમલ સાથે જ ખાણ ખનીજ વિભાગમાં ભ્રષ્ટાચાર વધશે તેવો ગણગણાટ શરૂ થઈ ગયો છે. જાણકારોના મતે, ખનીજ માફિયાઓને બચાવવા માટે અને નિયમોના ભંગ બદલ કાર્યવાહી ન કરવા માટે અધિકારીઓ દ્વારા હપ્તાખોરી વધી શકે છે.
હાલમાં પણ નદીઓમાંથી રેતીનું ગેરકાયદે વહન થતું હોય તેવા કિસ્સામાં તંત્ર માત્ર એકાદ-બે કેસ કરીને સંતોષ માની લે છે, જ્યારે ‘સેટિંગ‘ હોય તેવા સ્થળોએ બેફામ ખનન ચાલુ રહે છે. પર્યાવરણની મંજૂરી વિના ધમધમતી ખાણો પર પણ અધિકારીઓની રહેમનજર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.