Last Updated on by Sampurna Samachar
નાણા વિભાગે ભાવ વધારો જાહેર કર્યો
પાકિસ્તાનમાં વાહનચાલકો પર બોજો અનેકગણો વધ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
લાંબા સમયથી આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહેલા પાકિસ્તાનને IMF થી માંડી વર્લ્ડ બેન્ક પાસેથી મોટાપાયે ફંડ મળી રહ્યું હોવા છતાં મોંઘવારી પર કાબૂ મેળવાયો નથી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર મોંઘવારીનો બોમ્બ ફોડતાં પ્રજા ત્રાહિમામ બની છે. ત્યાં પેટ્રોલ અને હાઈ સ્પીડ ડિઝલના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનના નાણા વિભાગે નોટિફિકેશન જાહેર કરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો લાગુ કર્યો છે. જેમાં પેટ્રોલના ભાવમાં લીટરદીઠ રૂ. ૫.૩૬ નો વધારો કર્યો છે. જ્યારે હાઈ સ્પીડ ડીઝલના ભાવમાં રૂ. ૧૧.૩૭ પ્રતિ લીટર વધારો લાગુ કર્યો છે. આ વધારા બાદ દેશમાં પેટ્રોલનો ભાવ રૂ. ૨૬૬.૭૯થી વધી ૨૭૨.૧૫ પ્રતિ લીટર થયો છે. જ્યારે હાઈ-સ્પીડ ડીઝલનો ભાવ રૂ. ૨૭૨.૯૮થી વધી ૨૮૪.૩૫ પ્રતિ લીટર થયો છે.
જુલાઈના પ્રથમ સપ્તાહમાં લાગુ કરાયો
પાકિસ્તાનની સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સંશોધન કર્યા બાદ નવા સુધારાઓ ૧૬ જુલાઈથી આગામી ૧૫ દિવસ સુધી તાત્કાલિક ધોરણે લાગુ કર્યા છે. ઈંધણની કિંમતોમાં વૃદ્ધિથી પાકિસ્તાનમાં વાહનચાલકો પર બોજો અનેકગણો વધ્યો છે. ઈંધણના ભાવોમાં વધારા પાછળનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવોમાં અસ્થિરતા ગણાવ્યું છે.
પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત વૃદ્ધિ જોવા મળી છે. અગાઉ જુલાઈના પ્રથમ સપ્તાહમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો લાગુ કરવામાં આવ્યો હતો. તે સમયે ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડના ભાવમાં વધારો નોંધાતા પાકિસ્તાન સરકારે તુરંત ઈંધણના ભાવોમાં વધારો કર્યો હતો. પાકિસ્તાન પણ ભારતની જેમ ક્રૂડનો મોટો આયાતકાર દેશ છે. તે પોતાની કુલ જરૂરિયાતના આશરે ૮૫ ટકા ક્રૂડ આયાત કરે છે.