Last Updated on by Sampurna Samachar
દ્વારકામાં કોંગ્રેસ પાર્ટીએ ખેડૂત આક્રોશ સભા યોજી
કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતોને પારાવાર નુકસાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં અત્યારે કમોસમી વરસાદને કારણે ઘણી જગ્યાએ નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે આ માવઠાને લીધે સૌથી વધારે તો ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. રાજ્યમાં સાવર્ત્રિક વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે.

સરકાર પાસે ખેડૂતો પાક નુકસાનીનું વળતર માંગી રહ્યાં છે. ત્યારે હવે ખેડૂતોના પક્ષામાં કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો છે. દ્વારકામાં કોંગ્રેસની ખેડૂતો આક્રોશ સભા યોજાઇ હતી. જેમાં દેવભૂમી દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખંભાળિયા ખાતે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનના સર્વેને લઈને કિસાન આક્રોશ સભામાં એક મશાલ રેલીનું પણ આયોજન કર્યુ હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતા, કાર્યકર્તાઓ અને ખેડૂતો જોડાયા હતાં.
માથે ઓઢી મરણ પોક મૂકી સરકારને શ્રદ્ધાંજલી આપી
દ્વારકામાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભા યોજાઇ. જેમાં સરકાર સામે મોરચો માંડ્યો હતો, રાજ્યમાં માવઠાના માર સામે દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ આ ખેડૂત આક્રોશ સભા યોજી હતી. આ રેલીમાં સરકારની મરેલી આત્મામાં જ્યોત પ્રજ્વલિત કરવા માટે મશાલ રેલીને અંતે ખેડૂતોએ ખરખરો કરીને સરકારની મરેલી આત્માને શ્રદ્ધાંજલી આપી હતી.

જેમાં ખેડૂતોએ માથે ઓઢી મરણ પોક મૂકી સરકારને શ્રદ્ધાંજલી આપી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસનું કહેવું છે કે, ગુજરાતની સાથેસાથે દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદનો માર ખેડૂતોએ સહન કરવાનો આવ્યો છે. દ્વારકા જિલ્લામાં સૌથી વધારે મગફળી પાકનું વાવેતર છે અને ખેડૂતોની મગફળી ખેતરમાં પાથરા સ્વરૂપે કે ભર સ્વરૂપે હતી ત્યારે જ કમોસમી વરસાદ ખાબક્યો અને ખેડૂતોને પારાવાર નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે.
કોંગ્રેસનું કેહવું છે કે “ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે તેમ છતાં સરકાર સર્વે કરવાના નાટકો કરી રહી છે. જ્યારે કૃષિમંત્રી ખુદ સ્થળ મુલાકાત કરીને કહેતા હોય કે ૧.૫ થી ૧૫ ઇંચ સાવર્ત્રિક વરસાદ થયો છે તો પછી સરકારે સર્વેના નાટક બંધ કરી ખેડૂતોનું દેવું માફ કરી દેવું જોઈએ.