Last Updated on by Sampurna Samachar
વિક્રમ ઠાકોર નારાજગી વ્યક્ત કરતાં બોલ્યા
ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ અમીરગઢ હાઈવે પર કર્યા દેખાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણનાને લઈને બનાસકાંઠામાં રોષ જોવા મળ્યો હતો. જેમાં ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ અમીરગઢ હાઈવે પર દેખાવ કર્યા હતા. આબુ રોડ પાલનપુર નેશનલ હાઈવે પર દેખાવ કરતા ઠાકોર સમાજના લોકોને પોલીસે રોક્યા હતા. જ્યાં વિરોધ કરનારાઓએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર આ મામલે નિશાન સાધ્યું હતું.

અમીરગઢના ઠાકોર સમાજના આગેવાન અરવિંદ ઠાકોરે કહ્યું કે, ‘હાથમાં છે વ્હીસ્કીને આંખોમાં પાણી…’ ગાનાર કલાકારોનું વિધાનસભા અધ્યક્ષ સન્માન કરે છે. તેમણે ઠાકોર સેનાના કાર્યકરોએ ઠાકોર સમાજના કલાકારોની અવગણના બદલ રોષ ઠાલવ્યો હતો.
સરકારે ઠાકોર કલાકારને પ્રોત્સાહન આપવું જોઈએ
વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, ઘણાં સમયથી હું જોતો આવ્યો છું કે સરકાર દ્વારા અમારા ઠાકોર સમાજની સતત અવગણના થાય છે. આ બાબત સરકારની જાણ બહાર પણ હોઇ શકે, કલાકારોને મીડિયેટર વિધાનસભામાં લઈ ગયા હતા, પરંતુ હું ઘણાં સમયથી જોઇ રહ્યો છું કે ઘણાં બધા સરકારી કાર્યક્રમો હોય તેમાં ઠાકોર સમાજનો કોઈ દીકરો કે દીકરી હોતા નથી.
ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, વિધાનસભામાં કલાકારોને બોલાવ્યા તેનો વિરોધ નથી, પરંતુ ઠાકોર સમાજને સ્થાન નથી મળતું એનો વિરોધ છે. દરેક કલાકારનું સ્વાગત કર્યું સારી બાબત છે, મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મેં ધ્યાન દોર્યું છે. કલાકારને નાત-જાત નથી હોતી, સરકારે દરેક જાતિના કલાકારનું સન્માન કરવું જોઈએ. શંકરભાઈ ચૌધરીએ તમામ કલાકારને બોલાવ્યા હતા. સરકારી ઇવેન્ટોમાં પણ ઠાકોર સમાજને સરકારી કામ નથી મળતું. સરકારે ઠાકોર કલાકારને પ્રોત્સાહન આપવું જોઈએ. ઠાકોર સમાજ સહિત દરેક સમાજના ચાહક વર્ગ છે.