માર્ગ અકસ્માત ઘટાડવા સરકારને ધારે તેવી સફળતા નથી મળી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ અકસ્માત અંગે કરી વાત

દર વર્ષે ૧,૮૦,૦૦૦ લોકોના માર્ગ અકસ્માતમાં થાય છે મોત

(સંપૂર્ણ સમાચાર સેવા)

ભારતમાં અકસ્માતમાં મૃત્યુ પામતા લોકોના આંકડા જણાવતા કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યુ હતું કે દર વર્ષે ૧,૮૦,૦૦૦ લોકોના મોત માર્ગ અકસ્માતમાં થાય છે અને તેમાં પણ સ્કૂલની સામે જ દર વર્ષે ૧૦,૦૦૦ બાળકો રોડ એક્સિડેન્ટમાં મૃત્યુ પામે છે.

કેન્દ્રના માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ સુરક્ષાના મામલે અમે લાંબા સમયથી કામ કરી રહ્યા છીએ પણ તેમાં અમને ધારી સફળતા મળી નથી. હવે અમે રોડ સેફ્ટી ઓડિટ કરાવી રહ્યા છીએ અને રાહવીર યોજના સહિત વિવિધ પગલાં ભરી દેશમાં માર્ગ અક્સ્માતમાં થતાં મૃત્યુની સંખ્યા ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છીએ.

દર વર્ષે ૫૦,૦૦૦ લોકોના જીવ બચી શકે છે

રાહવીર યોજનામાં માર્ગ અક્સ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને કોઇ રાહદારી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડશે તો તેને રાહવીર યોજના હેઠળ ૨૫,૦૦૦ રૂપિયાનો એવોર્ડ આપવામાં આવશે. ગડકરીએ ઉમેર્યું હતું કે જો અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સમયસર હોસ્પિટલમાં પહોંચાડવાનું કામ લોકો ઉપાડી લે તો તેનાથી દર વર્ષે ૫૦,૦૦૦ લોકોના જીવ બચી શકે તેમ છે.

કેન્દ્રના માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ માર્ગ સુરક્ષાની તેમના માસ્ટર પ્લાનની વિગતોમાં જણાવ્યું હતું કે હવે જે કોઇ ટુ વ્હીલર વાહન ખરીદશે તેને કોઇ સારી કંપનીની ISI  માર્કાની બે હેલ્મેટ પણ ફરજિયાત  પુરી પાડવામાં આવશે. જેથી ટુ વ્હીલર પર સવાર બંને જણાં હેલ્મેટ પહેરી શકે.

માર્ગ અકસ્માતને અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે તેની વિગતો આપતાં ગડકરીએ જણાવ્યું હતું કે હવે રોડ પર ફરજિયાત પ્રિ-કાસ્ટ લગાવવામાં આવશે. ફેકટરીમાં બનેલાં આ પ્રિ-કાસ્ટ હવે રોડ બેરિયર્સની જગ્યાએ લગાવવામાં આવશે. હાલ રોડ પર જે બેરિયર્સ લગાડવામાં આવ્યા હોય છે તેને લોકો ઓળંગીને બીજી તરફ જતાં અકસ્માતો થાય છે. આવા અકસ્માતોને નિવારવા હવે આ બેરિયરની ઉંચાઇ વધારીને ત્રણ ફૂટ કરવામાં આવશે.

આ ઉપરાંત તેની બંને તરફ એક એક મીટર જગ્યા છોડવામાં આવશે. આ જગ્યામાં કાળી માટી નાંખી છોડ લગાડવામાં આવશે. આમ, કોઇ હવે બેરિયર કૂદીને બીજી તરફ જઇ શકશે જ નહીં. તમિલનાડુ સાથે કેન્દ્ર સરકારને ભલે ગજગ્રાહ ચાલતો હોય પણ નિતિન ગડકરીએ ચેન્નાઇમાં નવી ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવી રહેલી મેટ્રોના વખાણ કર્યા હતા.

મલેશિયાથી લાવવામાં આવેલી આ ટેકનોલોજીને કારણે કરોડો રૂપિયાની બચત થઇ રહી છે. ભારતમાં સામાન્ય રીતે મેટ્રોના બે પિલર વચ્ચે ત્રીસ મીટરનું અંતર રાખવામાં આવે છે. પણ આ નવી ટેકનોલોજીમાં બંને પિલર વચ્ચેનું અંતર હવે ૧૨૦ મીટર રાખવામાં આવે છે. જેને કારણે ત્રણ પિલર બનાવવાનો ખર્ચ બચી જાય છે. આ જ રીતે ઉપરનો બીમ હવે સ્ટીલની જગ્યાએ ફાઇબરમાં કાસ્ટ કરવામાં આવે છે. વળી, પ્રિ-કાસ્ટનો ઉપયોગ વધવા સાથે પ્રદૂષણ પણ ઘટે છે.

જોકે, ભારતમાં જ્યાં લોકોને ચાલવા માટે પૂરતી ફૂટપાથની જોગવાઇઓ મોટાભાગના શહેરી ઇન્ફ્રાસ્ટ્રકચરમાં બાકાત કરી નંખાઇ છે ત્યાં રોડની વચ્ચે બંને તરફ એક મીટર જગ્યા છોડવાની વાતોને નિષ્ણાતોએ તરંગી ગણાવી હતી. વળી, હાલ શહેરોમાં મોટાં રોડની વચ્ચે અવરોધ જો અતિશય ઉંચા બનાવવામાં આવશે તો રોડ ઓળંગવા માટે વાહનચાલકે મોટું ચક્કર લગાવવું પડશે. જેને કારણે બળતણનો ખર્ચ  અને પ્રદૂષણ બંને વધી જશે.

જ્યારે રાહદારીએ ફૂટઓવર બ્રિજ કે ભૂગર્ભ માર્ગના અભાવે રોડ ઓળંગવા માટે જ ટુ વ્હીલર વસાવવું પડે તો નવાઇ નહીં તેમ એક જાણકારે જણાવ્યું હતું. ટુ વ્હીલર પર બંને સવારો માટે હેલ્મેટ ફરજિયાત કરવાના ર્નિણયની ટીકા કરતાં એક વકીલે જણાવ્યું હતું કે આમાં તો ચેઇનચોરોને છૂટો દોર મળશે. બંને વાહનચાલકોએ હેલ્મેટ પહેરી હશે તો તેમને ઓળખવાનું CCTV માં પણ અશક્ય બની જશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.