Last Updated on by Sampurna Samachar
રાંધણ ગેસની અછત વચ્ચે તસ્કરો સક્રિય, ત્રણ ગેસ સિલિન્ડરની ચોરી
ગેસના સિલિન્ડરની સતત થતી ચોરીને રોકવા માટે હવે ગેસ એજન્સીના કર્મચારીઓએ અનોખો રસ્તો અપનાવવો પડ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં હાલમાં ગેસની અછતની બૂમરાણ મચી છે, ત્યારે આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા તસ્કરો મેદાનમાં ઉતર્યા છે. સુરતના અલગ-અલગ ચાર વિસ્તારોમાં ઘરેલું ગેસ સિલિન્ડરની ચોરી થવાની ઘટનાઓ સામે આવતા ગેસ એજન્સીના કર્મચારીઓ અને રહીશોમાં ફાળ પડી છે. ખાસ કરીને ડિલિવરી કરવા નીકળેલા ટેમ્પોને નિશાન બનાવી અજાણ્યા શખ્સો ગણતરીની મિનિટોમાં ગેસ સિલિન્ડર ચોરી કરી ફરાર થઈ રહ્યા છે.

સુરત શહેરના ઉધના, પાંડેસરા અને ગોડાદરા વિસ્તારમાં ગેસ સિલિન્ડરની ચોરીના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ઉધનાના કૈલાશ નગર અને હરિનગર તેમજ પાંડેસરાના શિવજી નગર વિસ્તારમાં જ્યારે સુરત ગેસ ટ્રાન્સપોર્ટ કંપનીનો કર્મચારી ગેસ સિલિન્ડરની ડિલિવરી કરવા સોસાયટીઓમાં જતો હતો, ત્યારે રસ્તા પર ઉભેલા ટેમ્પોમાંથી તસ્કરોએ હાથફેરો કર્યો હતો.
ગેસ એજન્સીના કર્મચારીઓએ અનોખો રસ્તો અપનાવ્યો
ગેસ સિલિન્ડરની ડિલિવરી કરનાર કર્મચારી જ્યારે કોઈ ગ્રાહકના ઘરે ગેસ સિલિન્ડર આપવા જાય છે, ત્યારે ટેમ્પો રસ્તા પર બિનવારસી હાલતમાં હોય છે. આ સમયનો લાભ લઈને અજાણ્યા શખ્સો ટેમ્પોમાં ચડી ભરેલા ગેસ સિલિન્ડર ઉઠાવીને રફુચક્કર થઈ જાય છે. એક જ દિવસમાં ત્રણ સ્થળે આવી ઘટનાઓ બનતા હડકંપ મચી ગયો છે.ગેસના સિલિન્ડરની સતત થતી ચોરીને રોકવા માટે હવે ગેસ એજન્સીના કર્મચારીઓએ અનોખો રસ્તો અપનાવવો પડ્યો છે.
ટેમ્પોમાં રાખેલા બાટલાઓ ચોરી ન થાય તે માટે હવે ડિલિવરી બોય ગેસ સિલિન્ડરને લોખંડની સાંકળ વડે બાંધી રહ્યા છે. ગેસની અછતને કારણે કાળાબજારમાં બાટલાના ઉંચા ભાવ મળતા હોવાથી તસ્કરો આ પ્રકારની ચોરી કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલમાં આ મામલે એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.