Last Updated on by Sampurna Samachar
ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીના આધારે ગુનેગારોને ઝડપ્યા
કુલ રૂ. ૪.૬૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં થતી ચિલઝડપનો ભેદ પોલીસે ઉકેલી ચિલઝડપ કરતી ટોળકીની ધરપકડ કરી છે. આરોપીઓ મોટી ઉંમરની મહિલાઓએ ગળામાં પહેરેલા ચેનની ચીલઝડપ કરતી ટોળકી પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. પોલીસે ઝડપેલા આરોપીઓએ શહેરમાં ૪ જગ્યાએ ચીલઝડપની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે. આરોપીઓએ જે સોનાના ચેનની ચીલ ઝડપ કરી તે ચેનને ઓગાળી ઢાળીયો બનાવ્યો હતો. જે કોની મદદથી બનાવ્યો અને આ ટોળકી સાથે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટ (RAJKOT) પોલીસના સકંજામાં રહેલા આ શખ્સોએ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સાથે મળી ૪ જેટલી ચિલ ઝડપને અંજામ આપ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગત તારીખ ૧૨ મે ના રોજ ચીલઝડપ ન બનાવ બન્યો હતો અને તેના ત્રણ દિવસ બાદ માલવિયાનગર પોલીસ મથકમાં ચીલઝડપની ઘટના બની હતી. જેથી એલસીબી ઝોન -૨ ની ટીમ કાર્યરત હતી.
સગીર સહિત ત્રણ શખ્સોની ધરપકડ
આ દરમિયાન ઘણા બધા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા આ ઉપરાંત ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીના આધારે સદામ અને વિક્રમને ઝડપી લેવામાં આવ્યા છે અને તે બંને અલગ અલગ ચાર ગુના કબૂલ કરેલા છે. જેમાં માલવિયા નગર પોલીસ મથકમાં ગત ૧૫ મે ના ચીલઝડપનો બનાવ સામે આવ્યો હતો. આ ઊપરાંત ગાંધીગ્રામ, ભક્તિનગર અને કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં ચીલઝડપ કરેલી હોવાનું સામે આવ્યું છે. સગીર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
પોલીસના કહેવા મુજબ, આરોપી સદ્દામનો ગુનાહિત ઈતિહાસમાં તેના વિરુદ્ધ અગાઉ ૩ ગુના નોંધાયેલા છે. વર્ષ ૨૦૨૨ માં તેના વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ થયેલો છે. આ ઉપરાંત બીજો ગુનો ભયજનક હથિયાર સાથે ઝડપાયાનો છે તો ત્રીજો જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયેલ છે.
આ ટોળકીએ છેલ્લા અઢી મહિનામાં ૪ ચીલઝડપ કરેલી છે. તેમની પાસેથી ચારેય ચિલઝડપમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. કુલ રૂ. ૪.૬૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામા આવેલો છે. જેમાં બે સોનાના ચેન, સોનાની માળા, સોનાનો ઢાળીયો અને વાહન સામેલ છે. બંને શખ્સોએ સોનાના ચેનને ઓગાળી ઢાળીયો પોતાની પાસે જ રાખેલો હતો.
આ ટોળકીની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી કે તેઓ મોટી ઉંમરના મહિલાઓને ટાર્ગેટ કરતા હતા. મોટી ઉંમરની મહિલાઓ જતી હોય ત્યારે ત્યાંથી સદ્દામ બાઈક ચલાવી પસાર થાય છે અને તેની પાછળ બેઠેલો વિક્રમ સોનાના ચેન સહિતની ચીલઝડપ કરી ગણતરીની મિનિટોમાં નાસી છૂટે છે.
આરોપી સદામ રિક્ષાચાલક છે અને અન્ય મજૂરી કામ કરે છે. આ ટોળકી છેલ્લા અઢી મહિનાથી સક્રિય થઈ હતી. જેથી પોલીસે વોચ ગોઠવી દબોચી લીધી હતી. જોકે ચિલ ઝડપ કર્યા બાદ આરોપીઓ સોની બજારમાં જઈ અને ઘરેણાંનો ઢાળીયો કરી દેતા હતા જેથી પોલીસ મુદ્દામાલ કબ્જે કરી ન શકે. જોકે પોલીસે આરોપીઓને દબોચી લેતા ઢાળીયો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ તપાસમાં ચિલ ઝડપ કરવાનું કારણ શું એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.