Last Updated on by Sampurna Samachar
આરોગ્ય ક્ષેત્રે વિઠ્ઠલબાપાનું યોગદાન અદ્વિતીય
સ્મશાનમાં ભજન-ર્કિતન કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલીના સાવરકુંડલા શહેરના દાનવીર અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા વિઠ્ઠલબાપા કથીરિયાના અવસાનથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. સાવરકુંડલા ખાતે તેમની અંતિમયાત્રા ભજન-કીર્તનના ભક્તિમય સૂરો સાથે ભવ્ય રીતે નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમને ભાવભીની વિદાય આપી હતી.

વિઠ્ઠલબાપાની અંતિમ ઈચ્છા મુજબ તેમની અંતિમયાત્રા પરંપરાગત રીતે ડી.જે. પર ભજન-કીર્તનના સૂર સાથે કાઢવામાં આવી હતી. લોકોની આંખોમાં આંસુ અને શ્રદ્ધાંજલિ વચ્ચે આ યાત્રા તેમના સેવાભાવ અને ધાર્મિક આસ્થાને અનુરૂપ બની રહી હતી. વિઠ્ઠલબાપા કથીરિયા સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં તેમની દાનવીરતા માટે જાણીતા હતા. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન લાખો રૂપિયાનું અનુદાન આપી સમાજસેવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
વિઠ્ઠલબાપા કથીરિયાના અવસાનથી મોટી ખોટ પડી
આરોગ્ય ક્ષેત્રે વિઠ્ઠલબાપાનું યોગદાન અદ્વિતીય રહ્યું હતું. તેમણે સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર અને નિ:શુલ્ક ચાલતી ટીંબી હોસ્પિટલમાં મોટું દાન આપ્યું હતું, જેનાથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે સારવારનો લાભ મળતો હતો. આ ઉપરાંત તેમણે સ્વામિનારાયણ મંદિર, રામજી મંદિર અને શિવાલયમાં પણ લાખો રૂપિયાનું દાન આપી ધાર્મિક કાર્યોમાં સેવા આપી હતી.
વિઠ્ઠલબાપાની અંતિમયાત્રામાં સામાજિક-ધાર્મિક આગેવાનો, વેપારીઓ અને સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં જાેડાયા હતા. સૌએ તેમની દાનવીરતા અને સેવાભાવને યાદ કરી હતી. વિઠ્ઠલબાપાના ભાણેજ હિંમતભાઈ શેલડીયાએ જણાવ્યું હતું કે, ‘વિઠ્ઠલબાપા માત્ર અમારા કુટુંબ માટે નહીં, પરંતુ સમગ્ર વિસ્તાર માટે પ્રેરણાસ્ત્રોત હતા. તેમણે હંમેશા જરૂરિયાતમંદોની મદદ કરી.‘
દાન અને સેવાને જીવનનું ધ્યેય બનાવનાર વિઠ્ઠલબાપા કથીરિયાનું અવસાન સમગ્ર સમાજ માટે મોટું નુકસાન છે. તેમના કાર્યો ભવિષ્યની પેઢીઓ માટે હંમેશા પ્રેરણાદાયી બની રહેશે.