Last Updated on by Sampurna Samachar
Contents
જાફરાબાદના દુઘાળા ગામે નદીના પટમાં દેખાયો મહાકાય અજગર
ઘટનાની જાણ વાયુવેગે ગામમાં ફેલાતા મોટી સંખ્યામાં લોકો અજગરને જોવા માટે ઉમટી પડ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જાફરાબાદ તાલુકાના દુઘાળા ગામે આજે એક મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ભારે કુતૂહલ અને ફફડાટ વ્યાપી ગયો હતો. ગામમાં આવેલા પ્રસિદ્ધ ભુતડા દાદાના મંદિર પાસે વહેતી નદીના પટમાં આ મહાકાય અજગર આરામ ફરમાવતો જોવા મળ્યો હતો.

સ્થાનિક રહીશો જ્યારે મંદિર પાસે નદીના પટના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની નજર પથ્થરો વચ્ચે છુપાઈને બેઠેલા વિશાળ અજગર પર પડી હતી. અજગરની લંબાઈ અને કદ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઘટનાની જાણ વાયુવેગે ગામમાં ફેલાતા મોટી સંખ્યામાં લોકો અજગરને જોવા માટે ઉમટી પડ્યા હતા.
ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો
દુઘાળા ગામના જાગૃત નાગરિકો દ્વારા તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. વનકર્મીઓએ ભારે જહેમત બાદ અત્યંત સાવચેતીપૂર્વક આ મહાકાય અજગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. રેસ્ક્યુ બાદ વન વિભાગ દ્વારા અજગરને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમયસર રેસ્ક્યુ થતા ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.