Last Updated on by Sampurna Samachar
અમેરિકાના ટેક્સાસની વાલેરો રિફાઇનરીમાં બ્લાસ્ટ
ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશને ડ્રાઈવરોને સલાહ આપી છે કે તેઓ SH ૮૭ અને SH ૮૨ માર્ગોનો ઉપયોગ ટાળે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકાના ટેક્સાસ રાજ્યના પોર્ટ આર્થર ખાતે આવેલી વાલેરો એનર્જી રિફાઇનરીમાં સોમવાર સાંજે જોરદાર ધડાકો થયો હતો. આ ઘટના બાદ આકાશમાં કાળો ધુમાડો ફેલાયો હતો, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સ્થાનિક અધિકારીઓએ રિફાઇનરી નજીક પશ્ચિમ વિસ્તારના રહેવાસીઓને જ્યાં હોય ત્યાં જ રહેવાનો આદેશ આપ્યો છે.

વિસ્ફોટની જાણકારી સ્થાનિક સમય અનુસાર ૨૩ માર્ચના રોજ સાંજે લગભગ ૭:૨૨ વાગ્યે મળી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે કે, પહેલા જોરદાર ધડાકો થયો અને પછી ભારે આગની જ્વાળાઓ દેખાઈ હતી.પોર્ટ આર્થર ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તા એન્ટોનિયો મિચેલે જણાવ્યું હતું કે, ઘટના કયા કારણોસર થઈ એ સ્પષ્ટ નથી. ઇમરજન્સી સર્વિસ, ફાયર બ્રિગેડ અને હેઝમેટ ટીમો ઘટનાસ્થળ પર છે. કોઈને ઇજા થઈ હોવાની માહિતી મળી નથી. જો કે, હવામાં કોઈ ઝેરી પદાર્થ ફેલાયો છે કે નહીં તે જાણવા માટે એર ક્વોલિટીની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
રિફાઇનરીમાં લગભગ ૭૭૦ કર્મચારીઓ કરે છે કામ
વધુમાં તેમણે જણાવ્યું કે, શેલ્ટર-ઇન-પ્લેસનો આદેશ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણપણે સુરક્ષિત ન થાય. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશને ડ્રાઈવરોને સલાહ આપી છે કે તેઓ SH ૮૭ અને SH ૮૨ માર્ગોનો ઉપયોગ ટાળે, જેથી ઇમરજન્સી વાહનોને રસ્તો મળી શકે.
વાલેરો પોર્ટ આર્થર રિફાઇનરી અમેરિકાની સૌથી મોટી રિફાઇનરીઓમાંની એક છે. આ રિફાઇનરી હ્યુસ્ટનથી લગભગ ૯૦ માઇલ પૂર્વે ટેક્સાસ ગલ્ફ કોસ્ટ પર સ્થિત છે. આ રિફાઇનરી દરરોજ ૪૩૫,૦૦૦ બેરલ ભારે કાચા ક્રૂડ તેલથી બનેલા ગેસોલિન, ડીઝલ અને જેટ ઇંધણનું ઉત્પાદન કરે છે. આ રિફાઇનરીમાં લગભગ ૭૭૦ કર્મચારીઓ કામ કરે છે. જો ઉત્પાદન લાંબા સમય સુધી બંધ રહે છે તો આ વિસ્તારની ઈંધણ પુરવઠા ચેઇન પર મોટી અસર પડી શકે છે. જેફરસન કાઉન્ટીના શેરીફ જીના સ્ટીફન્સે અંદાજ લગાવ્યો છે કે, વિસ્ફોટનું કારણ કોઈ હીટિંગ યુનિટ હોઈ શકે છે. જો કે, હજી સુધી સાચું કારણ સામે નથી આવ્યું. આ સમગ્ર મામલે તપાસ ચાલુ છે.