Last Updated on by Sampurna Samachar
આ એન્ટ્રીએ ભારે ભીડ અને કેમેરાની લાઈનો લગાવી
તેજપ્રતાપની યાદવની પાર્ટીના ઉમેદવારોનો અનોખો અંદાજ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે રાજકીય નેતાઓ અને તેમના પ્રચારની સાથે સાથે ઉમેદવારી નોંધાવવાના અનોખો અંદાજથી પણ ચર્ચાનું કેન્દ્ર બની છે. લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની પાર્ટી જનશક્તિ જનતા દળના બે ઉમેદવારોની નાટકીય એન્ટ્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
ગોપાલગંજના બરૌલી વિધાનસભા મતવિસ્તારમાંથી ધર્મેન્દ્ર કુમાર ક્રાંતિકારી ઉમેદવારી નોંધાવવા માટે જેલમાંથી સીધા હાથકડી પહેરીને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. પોલીસ સુરક્ષા હેઠળ જેલ છોડ્યા બાદ ક્રાંતિકારીની આ એન્ટ્રીએ ભારે ભીડ અને કેમેરાની લાઈનો લગાવી દીધી હતી.
બિહારના ચૂંટણી પરિદૃશ્યમાં એક નવો રોમાંચ લાવી
ભાવુક બની ગયેલા ક્રાંતિકારીએ જાહેરમાં નિવેદન આપ્યું હતું કે, હું ષડયંત્રનો ભોગ બન્યો છું, પરંતુ હવે મને જનતા તરફથી ન્યાય મળશે. જનતા મને નિર્દોષ જાહેર કરશે. નામાંકન ભર્યા બાદ પોલીસ તેમને ફરી જેલમાં લઈ ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં ધર્મેન્દ્ર ક્રાંતિકારી સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની ગયા હતા.
તેજ પ્રતાપની પાર્ટીના અન્ય એક ઉમેદવાર અરુણ યાદવે અરવલ વિધાનસભા મતવિસ્તારમાં તેમની અનોખી એન્ટ્રીથી લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા. અરુણ યાદવ ભેંસ પર સવાર થઈને જિલ્લા મુખ્યાલય પહોંચ્યા હતા, જેના કારણે આખો વિસ્તાર તમાશામાં ફેરવાઈ ગયો હતો. આ દરમિયાન તેમણે હાથમાં લાલુ પ્રસાદ યાદવનો ફોટો પણ રાખ્યો હતો. તેમણે કહ્યું, રાજકારણમાં મારા એકમાત્ર રોલ મોડેલ લાલુ પ્રસાદ યાદવ છે, તેથી હું તેમના આશીર્વાદથી મારું નામાંકન ભરવા આવ્યો છું.
ઉલ્લેખનીય છે કે, તેજ પ્રતાપ યાદવે ભલે રાષ્ટ્રીય જનતા દળથી અલગ થઈને પોતાની નવી પાર્ટી બનાવી હોય, પરંતુ તેમના ઉમેદવારોની આ નાટકીય અને દેશી શૈલી બિહારના ચૂંટણી પરિદૃશ્યમાં એક નવો રોમાંચ લાવી છે, જ્યાં રાજકારણ અને લોકપ્રિય પ્રચાર મજબૂત રીતે જોડાયેલા છે.