Last Updated on by Sampurna Samachar
બ્રાહ્મણો હવે યજમાનો સાથે મંદિરમાં પ્રવેશી શકશે નહીં
બ્રાહ્મણોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
યાત્રાધામ બેટ દ્વારકાના જગત મંદિર ખાતે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો આંતરિક વિવાદ વધુ વકર્યો હોવાનુ જાણવા મળ્યું છે. મંદિર ટ્રસ્ટ અને તીર્થ પુરોહિતો વચ્ચેના ઘર્ષણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ટ્રસ્ટી મંડળ દ્વારા તીર્થ પુરોહિતોના યજમાનો સાથે મંદિર પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવતા બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા એવો ર્નિણય લેવામાં આવ્યો છે કે બ્રાહ્મણો હવે યજમાનો સાથે મંદિરમાં પ્રવેશી શકશે નહીં. ટ્રસ્ટનો તર્ક છે કે યાત્રિકો પાસેથી પૈસા લેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. જોકે, તીર્થ પુરોહિતોએ આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને પોતાનો સખત વિરોધ નોંધાવ્યો છે. બ્રાહ્મણોનું કહેવું છે કે યજમાન વૃત્તિ તેમનો પરંપરાગત અને ધાર્મિક અધિકાર છે. અને તેના પર રોક લગાવવી એ તેમની આજીવિકા છીનવવા સમાન છે.
ટ્રસ્ટ મંડળની મિટિંગમાં વિવાદનો અંત લાવે તેવી શક્યતા
છેલ્લા એક માસથી આ પ્રતિબંધ સામે લડત આપી રહેલા બ્રાહ્મણોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તીર્થ પુરોહિતોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. આ વિશે પંડા તીર્થ પુરોહિતના અજય વાયડાએ કહ્યું કે, જો ટ્રસ્ટ દ્વારા આ જોહુકમી બંધ કરવામાં નહીં આવે અને પુરોહિતોના અધિકારોનું રક્ષણ નહીં થાય, તો આગામી દિવસોમાં સમગ્ર મામલો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન સુધી પહોંચશે.
જોકે સમગ્ર મામલે બેટ દ્વારકા દેવસ્થાન સમિતિના નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી. દેવસ્થાન સમિતિના સદસ્ય પ્રમોદભાઈ ભટ્ટે જણાવ્યું કે, દેવસ્થાન સમિતિને કે ટ્રસ્ટી ઓને કોઈ પણ પ્રકારનો વાંધો છે જ નહીં સુદર્શન બ્રિજ બનતા જ બેટ દ્વારકામાં ભક્તોની સંખ્યામાં વધારો થયો છે અમો એ પોલીસ વિભાગના સૂચનથી એક્ઝિટ ગેટ અને એન્ટ્રી ગેટ અલગ અલગ કરવામાં આવ્યો છે. એમાં પણ કોઈને અન્યાય થયો હશે તો આવનારી ટ્રસ્ટ મંડળની મિટિંગમાં વાત રજૂ કરી વિવાદનો અંત લઈ આવીશું.