Last Updated on by Sampurna Samachar
બે સગીરો વચ્ચેની મારામારીએ મામલો બગાડ્યો હતો
બંને સમાજના આગેવાનોએ મીટિંગ કરી સુખદ સમાધાન કર્યુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદનું રિવર સાઈડ પેલેસ ખાતે સુખદ સમાધાન થયું છે. આ કેસમાં બે સગીરો વચ્ચે થયેલી મારામારી અને જાતીય સતામણીને લઈને બંને સમાજ વચ્ચે તણાવ ઉભો થયો હતો. બંને પક્ષે એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલો વધુ બિચકતો જતાં બંને સમાજના આગેવાનોએ સર્વે સમાજની મિટિંગ યોજી હતી અને આવેદનપત્રો પણ આપવામાં આવ્યા હતા. સમગ્ર મામલો સમાજમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

આખરે જાડેજા પરિવારની મધ્યસ્થીથી બંને સમાજ વચ્ચે સુલેહ-શાંતિનો માર્ગ નીકળ્યો છે. આ સમાધાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બંને સમાજના લોકો હાજર રહ્યા હતા. આ સાથે બંને સમાજ વચ્ચે ઉભી થયેલી ગેરસમજ દૂર થઈ છે અને સામાજિક સદભાવના જળવાઈ રહી છે.
ગોંડલનું વાતાવરણ ડહોળવાનુ કામ કરે છે અમુક લોકો
મનસુખભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, ગોંડલમાં જાણતા અજાણતા જે પણ ઘટના બની છે તેનું સુખદ સમાધાન થઈ ગયું છે. પાટીદાર અને ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોએ ભેગા થઈને સમાધાન કર્યું છે. અમુક તત્વો દ્વારા ગોંડલનું વાતાવરણ ડોળવાનું કામ કરવામાં આવ્યું છે.
હવે ગોંડલ બહારના લોકો પણ ગોંડલની શાંતિ ડોહળાય તેવું કામ કરી રહ્યા છે. કોંગ્રેસના મિત્રો વાતાવરણ ડહોળવાના પ્રયત્નો કરી રહ્યા છે. ગોંડલમાં જે શાંતિ છે તે જયરાજસિંહના કારણે છે. જે લોકો ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધે છે તે લોકો ગોંડલની તાસીરથી અજાણ છે.
કનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જે બનાવને હાઈલાઇટ કરવામાં આવ્યો તે બંને પરિવાર એકબીજાને ઓળખતો નથી, એકબીજા સાથે કાંઈ લેવા દેવા નથી. જે લોકો જયરાજસિંહ સુધી પહોંચી શકતા નથી, તે લોકો આવું કરે છે. પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે કોઈ દિવસ અણબનાવ નથી. પટેલ સમાજ અન્ય સમાજને રાહ ચીંધે છે.
ગોંડલ ક્ષત્રિય સમાજના પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું હતું કે, એકતાના પ્રતિક તરીકે ગોંડલનું ઉદાહરણ આપવામાં આવે છે. દરબારો અને પટેલો ગોંડલમાં ભાગીદારીમાં વ્યવસાય કરે છે. હરદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મિર્ઝા એટલે તેના બે અર્થ થાય છે, જેમાં મિર્ઝા એટલે પૈસાવાળા લોકો, જે રાજકુમારની જેમ રહેતા હોય તે.
વેબ સિરીઝ પ્રમાણે તેનો અર્થ કરવામાં આવે તે યોગ્ય નથી. ગમે ત્યાં પથ્થરની ઠેસ વાગે તો પણ નામ જયરાજભાઈનું આવે એવું ન હોય. માફી માંગવી અને માફી આપવી બંને મોટી વાત છે. પાટીદાર સગીરના પિતાએ જણાવ્યું હતું કે, મારે પહેલા પણ કોઈ સમાજ સાથે ઝઘડો નહોતો અને આગળ પણ હું રાખવાનો નથી, જે સમાધાન થયું છે તેમાં હું રાજી છું.