Last Updated on by Sampurna Samachar
ઇન્દ્રાલમાં ૬ મહિનાથી ચૂંટાયેલા સરપંચ પાસે સત્તા નહીં
વહીવટી ગૂંચને ઉકેલવા ઉપરી અધિકારીઓએ કંઇ કર્યું નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત રાજ્યમાં પહેલીવાર એવુ બન્યુ કે ગામલોકોએ સરપંચ તો ચૂંટી કાઢ્યા પણ તંત્રની આળસના કારણે સત્તા અપાઇ નહીં. જ્યાં ચૂંટણી પંચની નિષ્ફળતાને કારણે છ મહિના વીતી ગયા હોવા છતાં સરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો નથી.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ગામમાં બેજવાબદાર તંત્ર અને ચૂંટણી પંચ સામે આવ્યું છે. સામાન્ય રીતે ચૂંટણી જીત્યાના થોડા જ દિવસોમાં જનપ્રતિનિધિ સત્તા સંભાળતા હોય છે, પરંતુ ઇન્દ્રાલ ગ્રામ પંચાયતમાં ૬ મહિના વીતી ગયા હોવા છતાં ચૂંટાયેલા સરપંચને હજુ સુધી ચાર્જ સોંપવામાં આવ્યો નથી. વહીવટી તંત્રની આ ઘોર નિષ્કાળજીને કારણે ગામનો વિકાસ રૂંધાયો છે અને ગ્રામજનો પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે.
જિલ્લા અધિકારીઓને કારણ ગામલોકો પરેશાન
છોટાઉદેપુર જિલ્લામાં જ્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ, ત્યારે ઇન્દ્રાલ ગ્રામ પંચાયતમાં એક અજીબ સ્થિતિ સર્જાઈ હતી. પંચાયતના કુલ ૮ વોર્ડમાં સમય મર્યાદાના કારણે કોઈ પણ સભ્ય ઉમેદવારી નોંધાવી શક્યું નહોતું. માત્ર સરપંચ પદ માટે જ ચૂંટણી યોજાઈ, જેમાં રાકેશભાઇ રતિલાલ પંચાલ ૨૫ જૂનના રોજ વિજેતા જાહેર થયા હતા.
નિયમ મુજબ, ડેપ્યુટી સરપંચની વરણી માટે સભ્યો હોવા અનિવાર્ય છે. સભ્યો ન હોવાથી ગ્રામ પંચાયતની પ્રથમ મીટિંગ થઈ શકી નથી અને પરિણામે સરપંચને ચાર્જ આપી શકાયો નથી. આ વહીવટી ગૂંચને ઉકેલવા તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા વિકાસ અધિકારી અને ત્યારબાદ વિકાસ કમિશનર પાસે માર્ગદર્શન માંગ્યું હતું, પરંતુ મહિનાઓ વીતવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
સરકારના નિયમ મુજબ, જો કોઈ બેઠક ખાલી હોય તો ૬ માસની અંદર પેટા ચૂંટણી યોજવી અનિવાર્ય છે. પરંતુ ઇન્દ્રાલમાં ૬ માસ વીતી ગયા હોવા છતાં ચૂંટણી પંચ કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સભ્યોની ચૂંટણી યોજવાની કોઈ તજવીજ હાથ ધરવામાં આવી નથી. જેના કારણે ગામના વિકાસ કામો અટકી પડ્યા છે.
પીવાનું પાણી: ગામમાં પીવાના પાણીની લાઈનો લીકેજ છે, જેના કારણે ગંદુ પાણી આવે છે.
ગંદકીનું સામ્રાજ્ય: ગટરો ઉભરાઈ રહી છે, પણ સફાઈ માટે કોઈ જવાબદાર નથી.
અધૂરા મકાન: પંચાયત કચેરીનું મકાન અધૂરું છે, હાલ પંચાયત દૂધ ડેરીના મકાનમાં ચાલે છે.
આંગણવાડીની હાલત: આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે, જે બાળકો માટે જાેખમી બની શકે છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે, “અમે મત આપીને સરપંચને ચૂંટ્યા છે, પણ જ્યારે અમે સમસ્યા લઈને જઈએ છીએ ત્યારે સરપંચ કહે છે કે મારી પાસે ચાર્જ જ નથી.” બીજી તરફ, તલાટીના શાસનમાં લોકપ્રશ્નો ઉકેલાતા નથી. છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓની આ નિષ્કાળજીને કારણે આખું ગામ હેરાન થઈ રહ્યું છે.