Last Updated on by Sampurna Samachar
ઈનકમ ટેક્સ ડિમાન્ડ નોટિસમાં મોટી રાહત આપી
૩૦ સપ્ટેમ્બર સુધી પાન લિંક કરાવી એક્ટિવ કરનારને મળશે રાહત
(સંપૂર્ણ સમાચાર સેવા)
આવકવેરા વિભાગ દ્વારા ડિડક્ટર્સ અને કલેક્ટર્સ પાસેથી TCS ના શોર્ટ કલેક્શન અને TDS ના શોર્ટ ડિડક્શનના કારણે પાઠવવામાં આવતી ઈનકમ ટેક્સ ડિમાન્ડ નોટિસમાં મોટી રાહત આપી છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, જો ચોક્કસ સમયમર્યાદામાં PAN ફરીથી કાર્યરત કરવામાં આવે તો, TDS/TCS ના શોર્ટ ડિડક્શન/કલેક્શનને કારણે પાઠવવામાં આવેલી તમામ ટેક્સ ડિમાન્ડ નોટિસ રદ કરવામાં આવશે. આવકવેરા વિભાગના આ ર્નિણયથી પ્રોપર્ટી-મકાન ખરીદનારાઓને મોટી રાહત મળશે.
સેક્શન ૧૯૪-IA હેઠળ રૂ. ૫૦ લાખ કે તેથી વધુ કિંમત પર પ્રોપર્ટીના વેચાણ પર ખરીદદારોએ ૧ ટકા TDS ચૂકવવો પડે છે. પરંતુ જો તેમનું પાન બિન-કાર્યક્ષમ હોય તો તેમણે ૨૦ ટકા TDS ચૂકવવો પડે છે. જેમાં ઘણીવખત ૧ ટકા TDS કપાતના કારણે અન્ય બાકીના ૧૯ ટકા TDS માટે આવકવેરા વિભાગ દ્વારા ટેક્સ ડિમાન્ડ નોટિસ પાઠવવામાં આવે છે. નવા પરિપત્ર અનુસાર, જો તેઓ ૩૦ સપ્ટેમ્બર સુધી પાન લિંક કરાવી એક્ટિવ કરે તો તેમને આ નોટિસમાંથી રાહત મળશે.
આવકવેરા વિભાગે જાહેર કર્યો પરિપત્ર
આવકવેરા વિભાગે ૨૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ એક પરિપત્ર જાહેર કરી જણાવ્યું હતું કે, નીચેના કિસ્સાઓમાં, કાયદાની કલમ ૨૦૬ AA /૨૦૬ CC હેઠળ કર કપાત/વસૂલી માટે કપાતકર્તા/કલેક્ટર પર કોઈ જવાબદારી રહેશે નહીં.
૧. ૧ એપ્રિલ, ૨૦૨૪થી ૩૧ જુલાઈ, ૨૦૨૫ દરમિયાન ચૂકવવામાં આવેલી રકમ હોય અને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ અથવા તે પહેલાં PAN સક્રિય કરવામાં આવે તો. (આધાર સાથે જોડાણના પરિણામે).
૨. જો રકમ ૧ ઓગસ્ટ, ૨૦૨૫ બાદ કે તે દિવસે જમા અથવા ચૂકવવામાં આવી હોય અને પાનકાર્ડ નંબર ચૂકવણી અને જમા રકમની તારીખથી બે મહિનાની અંદર સક્રિય કરવામાં આવ્યું હોય તો.
૩. પાન-આધાર લિંક્ડ હોવુ જરૂરી છે, જેથી ટીડીએસ-ટીસીએસ ડિડક્ટર અને કલેક્ટરને ટેક્સ ડિમાન્ડ નોટિસમાંથી રાહત મળી શકે.
શું કહે છે પરિપત્ર?
આ પરિપત્ર અનુસાર, જે કરદાતાઓના પાન આધાર સાથે લિંક નથી, તેમને ટેક્સ ડિમાન્ડ નોટિસમાં રાહત મળી શકે છે, જો તેઓ નિર્ધારિત સમયમર્યાદાની અંદર પાન કાર્યરત કરે. ટીડીએસના શોર્ટ ડિડક્શન તથા ટીસીએસના શોર્ટ કલેક્શન માટે પાઠવવામાં આવેલી કોઈપણ નોટિસ રદ થઈ શકે છે, જો પાન નિર્ધારિત સમયમર્યાદાની અંદર લિંક્ડ (કાર્યક્ષમ) કરવામાં આવે.
ટેક્સ ડિડક્ટર્સ અને કલેક્ટર્સને TRACES પાસેથી ટ્રાન્ઝેક્શન પર નીચો કર લાગુ કરવા અસંખ્ય ટીડીએસ-ટીસીએસ ડિમાન્ડ નોટિસ મળે છે. આ પ્રકારના કરદાતાઓને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં આધાર સાથે પાન લિંક કરવા ફરમાન પાડ્યું છે. જો તેઓએ પાન નંબર લિંક કરાવ્યો તો તેમને આ નોટિસમાંથી રાહત મળશે.