Last Updated on by Sampurna Samachar
મહિલા વકીલની આત્મહત્યા મામલે મોટો ચુકાદો
આ કેસ નવેમ્બર ૨૦૧૬નો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે પંજાબના એક વકીલ વિરુદ્ધ ચાલી રહેલી ફોજદારી કાર્યવાહી રદ કરી દીધી છે. જેના પર એક સરકારી મહિલા વકીલને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ફક્ત લગ્ન કરવાનો ઇનકાર કરવો એ ગુનો નથી અને આત્મહત્યા માટે ઉશ્કેરણીનો આધાર બની શકતો નથી.

આ કેસ નવેમ્બર ૨૦૧૬નો છે. અમૃતસરમાં તૈનાત એક સરકારી મહિલા વકીલે ઝેર પીને આત્મહત્યા કરી હતી. પરિવારે આરોપ લગાવ્યો હતો કે યદવિંદર સિંહ ઉર્ફ સની જે પોતે પણ સરકારી વકીલ હતો. તેણે લગ્નનું વચન આપીને તેની સાથે સંબંધ બાંધ્યો હતો, પરંતુ પછી અચાનક પીછેહઠ કરી દીધી. પરિવારના જણાવ્યા અનુસાર, આ છેતરપિંડી અને માનસિક વેદના આત્મહત્યા તરફ દોરી ગઈ હતી.
કોર્ટે FIR અને બાકી રહેલી તમામ કાર્યવાહી રદ કરી
FIR માં જણાવાયું છે કે ૨૦૧૫માં આરોપી મહિલાના ઘરે ગયો હતો અને તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ બાદમાં તેના પરિવારના વિરોધને કારણે પીછેહઠ કરી હતી. છોકરીની માતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેની પુત્રીએ આ આઘાતને કારણે આ ભયાનક પગલું ભર્યું હતું.
ફરિયાદના બે દિવસ પછી મહિલાની માતાએ બીજું નિવેદન આપ્યું, જેમાં શારીરિક અને માનસિક શોષણના આરોપો ઉમેર્યા હતા. તેણીએ જણાવ્યું કે તેની પુત્રીએ તેણીને કહ્યું હતું કે આરોપીએ લગ્નના બહાને તેની સાથે સંબંધ બાંધ્યો હતો અને જ્યારે તેણીએ પ્રતિકાર કર્યો ત્યારે તેણે કહ્યું, “તમે જે ઇચ્છો તે કરી શકો છો.”
જોકે, સુપ્રીમ કોર્ટે આ નિવેદનને બદલવામાં આવેલું અને અતિશયોક્તિપૂર્ણ માન્યું અને કહ્યું કે તે કાર્યવાહી માટે આધાર તરીકે કામ કરી શકે નહીં. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે જણાવ્યું હતું કે જ્યારે બંને વચ્ચે ભાવનાત્મક જોડાણ હતું, ત્યારે એવા કોઈ પુરાવા નથી કે આરોપીએ જાણી જાેઈને અથવા સક્રિય રીતે પીડિતાને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે, “ફક્ત લગ્ન કરવાનો ઇનકાર કરવો, ભલે તે હૃદયદ્રાવક હોય, તે ઉશ્કેરણીનો ગુનો નથી.” કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ઉશ્કેરણી માટે હેતુ અને સીધી પ્રેરણાની જરૂર હોય છે. માત્ર ઉદાસીનતા અથવા કઠોર પ્રતિભાવને ગુનો ગણી શકાય નહીં.
ચુકાદો આપતાં બેન્ચે દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું હતું કે, “એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે એક યુવાન છોકરીએ નબળાઈની ક્ષણમાં પોતાનો જીવ લીધો. પરંતુ ન્યાયાધીશ તરીકે આપણે ફક્ત પુરાવાના આધારે ર્નિણય લેવો જોઈએ.” કોર્ટે જણાવ્યું હતું કે કોઈને પણ ફક્ત શંકાના આધારે દોષિત ઠેરવી શકાય નહીં અને આ કેસમાં ટ્રાયલ ચલાવવી એ ન્યાયની મજાક હશે. કોર્ટે FIR અને બાકી રહેલી તમામ કાર્યવાહી રદ કરીને આરોપીને રાહત આપી હતી.