Last Updated on by Sampurna Samachar
ઘણાં સમયથી પુત્રવધુ સાસરીયાથી રહેતી હતી દુર
ઘાટ પર લોકોએ મહિલા સાથે તેની માતાને ઝડપી લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઘોર કળિયુગ આવી ગયો તેમ દીકરાની વહુ તેની સાસુનો મૃતદેહ ગંગામાં પધરાવવા સૂટકેસમાં ભરીને લાવી જે સાંભળી ચોંકી જશો. આ ચોંકાવનારી ઘટનામાં સાસુના મૃતદેહને સુટકેસમાં ભરીને ગંગા નદીમાં ફેંકવાનો પ્રયાસ કરી રહેલી એક મહિલા અને તેની માતાની ધરપકડ કરી છે. તેમના નામ ફાલ્ગુની ઘોષ અને આરતી ઘોષ છે. મૃતકની ઓળખ સુમિતા ઘોષ (૫૫) તરીકે થઈ છે. કોલકાતાના કુમ્હારટોલી ઘાટ પર, કેટલાક લોકોએ તેને વાદળી સૂટકેસ નદીમાં ફેંકવા માટે લઈ જતા જોઈ હતી અને શંકાના આધારે તેને અટકાવી હતી.
જ્યારે સુટકેસ ખોલવામાં આવી, ત્યારે તેમાં એક મહિલાનો મૃતદેહ જોવા મળ્યો હતો. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંનેની ધરપકડ કરી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, બંને ટેક્સી દ્વારા કુમ્હરટોલી ઘાટ પહોંચ્યા હતા. પૂછવામાં આવતા તેણે કહ્યું કે, સુટકેસમાં તેના પાલતુ કૂતરાનો મૃતદેહ હતો, પરંતુ તેને ખોલતાં તેમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.
મામલો પોલીસ સુધી પહોંચ્યો
પોલીસે મહિલાઓ પાસેથી લોકલ ટ્રેનની ટિકિટો મળી આવી છે, જે સિયાલદહ-હસનાબાદ સેક્શનના કાઝીપારા સ્ટેશનની છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે, બંને પહેલા પ્રિન્સેપ ઘાટ ગયા હતા. ત્યાં લોકોની ભીડ જોઈને તે કુમ્હારટોલી ઘાટ પર આવી હતી.
પૂછપરછ દરમિયાન, ફાલ્ગુનીએ જણાવ્યું કે, તેની સાસુ મધ્યમગ્રામમાં તેના ભાડાના ઘરે આવી હતી, જ્યાં તે તેની માતા આરતી સાથે રહે છે. તેનો તેની સાસુ સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવીને તેણે તેને ઈંટ મારી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. જોકે, તે સમયે તેની માતા કોઈ કામ માટે બહાર ગઈ હતી.
જ્યારે મહિલાની માતા પાછી ફરી તો તેણીએ મૃતદેહ જોયો, ત્યારે તેણે તેને બચાવવા માટે તેનો નિકાલ કરવાનું વિચાર્યું હતું. આ પછી તેણીએ મૃતદેહને સુટકેસમાં પેક કર્યો અને તેને કોલકાતા લાવવામાંઆવ્યો હતો. મૃતદેહને સુટકેસમાં ભરવા માટે, તેઓએ મૃતકના પગના કેટલાક ભાગો કાપી નાખ્યા હતા. જણાવી દઈએ કે, મૃતક આસામના જોરહાટ વિસ્તારની રહેવાસી હતી.
તે ફાલ્ગુનીના ઘરે કેમ ગઈ અને બંને વચ્ચે શું ઝઘડો થયો તે હજુ સ્પષ્ટ નથી.
પોલીસને જાણવા મળ્યું છે કે, મૃતકની આસામ અને કોલકાતામાં કેટલીક મિલકત હતી. આ હત્યા મિલકતના કારણે થઈ હતી કે, કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ફાલ્ગુની ઘણા સમયથી તેની માતા સાથે તેના સાસરિયાઓથી દૂર રહેતી હતી.