Last Updated on by Sampurna Samachar
યુવતીના ફોટા વાયરલ કરી બે વાર સગાઈ તોડાવી
આ મામલે બાવલુ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડા આદરજ ગામમાં એક યુવતીને તેનો પૂર્વ પ્રેમ સંબંધ ભારે પડ્યો છે. યુવતીના પૂર્વ પ્રેમીએ બદલો લેવાની ભાવનાથી યુવતીના ખાનગી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હોવાની અને તેની બે વખત સગાઈ તોડાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે બાવલુ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

મેડા આદરજની યુવતી સાથે પૂર્વમાં સંબંધ ધરાવતા આરોપી અખ્તર મલેકે યુવતીનું જીવન નર્ક બનાવવામાં કોઈ કસર છોડી નથી. આરોપીએ યુવતીના નામે ઇન્સ્ટાગ્રામ પર એક ખોટું એકાઉન્ટ બનાવ્યું હતું અને તેના પર યુવતીના જૂના ફોટા વાયરલ કર્યા હતા. આટલું જ નહીં, જ્યારે પણ યુવતીની સગાઈ ક્યાંક નક્કી થતી, ત્યારે આરોપી સક્રિય થઈ જતો હતો.
યુવતીના જૂના ફોટા વાયરલ કર્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, યુવતીની નાગલપુર અને નંદાસણ ખાતે બે અલગ-અલગ જગ્યાએ સગાઈ નક્કી થઈ હતી. જો કે, આરોપી અખ્તર મલેકે બંને ઠેકાણે સાસરિયાઓને યુવતીના જૂના ફોટા મોકલીને બદનામ કરી હતી, જેના કારણે યુવતીની સગાઈઓ તૂટી ગઈ હતી. જ્યારે યુવતીનો પરિવાર આ બાબતે આરોપીને ઠપકો આપવા ગયો, ત્યારે તેણે પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વારંવારની હેરાનગતિથી કંટાળીને અંતે યુવતીએ હિંમત દાખવી બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી અખ્તર મલેક વિરુદ્ધ આઈટી એક્ટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાયબર ટીમની મદદથી ખોટા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને વાયરલ ફોટા બાબતે પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.