Last Updated on by Sampurna Samachar
અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ
૨૨ મેથી ગુજરાતમાં ફરી વાતાવરણમાં પલટો આવી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૨૨ મેથી વરસાદનું આગમન થશે. ઉલ્લેખનિય છે કે, આ વર્ષે મે મહિનાની શરૂઆતથી વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારમાં માવઠાએ તારાજી સર્જી છે. હજુ પણ રાજ્ય પર માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમના કારણે ૨૨ મેથી ગુજરાતમાં ફરી વાતાવરણમાં પલટો આવી શકે છે.
હવામાન વિભાગે નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. રાજકોટ, અમરેલી, ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી છે. મહિસાગર, પંચમહાલ, દાહોદ,વડોદરામાં પણ વરસાદનું અનુમાન છે. છોટાઉદેપુર, નર્મદામાં હળવા વરસાદનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે.
વાવાઝોડાની શક્યતાને નક્કારી ન શકાય
બંગાળ અને અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ૨૨ મેથી રાજ્યમાં વાવાઝોડાની પણ આશંકા સેવાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે, હાલ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે તો સિસ્ટમ જો ગુજરાત તરફ આવશે તો વાવાઝોડાની શક્યતાને નક્કારી ન શકાય. જો વાવાઝોડું ગુજરાતમાં ન આવતા બીજી દિશામાં ફંટાઇ જાય તો પણ ૨૨ મેથી ભારે વરસાદના અનુમાનને નકારી ન શકાય .
નોંધનિય છે કે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં આગાહીકારોએ ખેતી માટે અનુકુળ વરસાદી આ વર્ષે આગાહી કરી છે. આ સાથે રાજ્યમાં જૂન અને જુલાઈમાં બે મોટા વાવાઝોડાની પણ આગાહી કરી છે. આ વર્ષે ચોમાસાનું આગમન ૧૪ થી ૧૬ જૂન વચ્ચે થવાનું અનુમાન આગાહીકારોએ વ્યક્ત કર્યું છે.