Last Updated on by Sampurna Samachar
વર્ષ ૨૦૨૪-૨૫માં નોંધાઈ ૪૨.૮૫% વૃદ્ધિ
વર્ષ ૨૦૨૩-૨૫ કરતા ૧૨.૦૪ ટકાની વૃદ્ધિ નોંધાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતનું અર્થતંત્ર ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. થોડા વર્ષો બાદ દેશની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મજબૂત અર્થવ્યવસ્થા બનવાની છે. નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં દેશની આયાત અને નિકાસ હરણફાળ ગતિએ વધી રહી છે.
આ સાથે સંરક્ષણ નિકાસમાં પણ દર વર્ષે ધરખમ વધારો થઈ રહ્યો છે. ૨૦૨૪.૨૫ માં દેશની સંરક્ષણ નિકાસ વધીને રૂ. ૨૩,૬૨૨ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. તેમાં અગાઉના વર્ષ ૨૦૨૩-૨૫ કરતા ૧૨.૦૪ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
આ વર્ષે ૨૫૩૯ કરોડ રૂપિયાનો વધારો
નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૧, ૦૮૩ કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ નોંધાઈ હતી, ત્યારે આ વર્ષે ૨૩,૬૨૨ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. એટલે કે ૨૦૨૩-૨૪ની તુલનાએ ૨૦૨૪-૨૫માં સંરક્ષણ નિકાસમાં ૧૨.૦૪ ટકાનો વધારો થયો છે. આમ દેશના સંરક્ષણ નિકાસમાં ગત વર્ષ કરતા આ વર્ષે ૨૫૩૯ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (DPSU) એ ૪૨.૮૫ ટકાની સંરક્ષણ નિકાસ નોંધાવી છે. આ ડેટા પરથી કહી શકાય કે, વૈશ્વિક માર્કેટમાં ભારતીય ઉત્પાદનોની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે અને દેશ વૈશ્વિક પુરવઠામાં એક મહત્ત્વનું યોગદાન આપવાની ક્ષમતા ધરાવે છે.
ભારતે વર્ષ ૨૦૨૪-૨૫માં સંરક્ષણ ક્ષેત્રે રૂ. ૨૩,૬૨૨ કરોડની નિકાસ કરી છે, જેમાં ખાનગી ક્ષેત્રએ ૧૫૨૩૩ કરોડ રૂપિયાનું અને DPSU નું ૮૩૮૯ કરોડ રૂપિયા યોગદાન નોંધાવ્યું છે. આ પહેલા વર્ષ ૨૦૨૩-૨૪ની સંરક્ષણ નિકાસમાં ખાનગી ક્ષેત્રનો ૧૫,૨૦૯ કરોડ રૂપિયાનો, જ્યારે DPSU નો ૫૮૭૩ કરોડ રૂપિયાનો ફાળો હતો.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સફળતા હાંસલ કરવા બદલ તમામ હિતધારકોને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ૨૦૨૯ સુધીમાં સંરક્ષણ નિકાસ ૫૦૦૦૦ કરોડ રૂપિયા સુધી વધારવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ આગળ વધી રહ્યું છે.