Last Updated on by Sampurna Samachar
ફાસ્ટટેગ હોવા છતાંય ટોલનાકા પર વાહનોની લાંબી કતારો
અમદાવાદ થી હિંમતનગર સુધી નેશનલ હાઇવે ખખડધજ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં કેટલાય ઠેકાણે નેશનલ હાઈવે બિસ્માર અવસ્થામાં છે પરિણામે વાહનચાલકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. ખખડધજ હાઇવે હોવા છતાંય વાહનચાલકો પાસેથી ટોલટેક્સનું ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં ટોલટેક્સ પેટે વાહનચાલકો પાસેથી કુલ મળીને રૂ. ૮૭૦૨ કરોડ જેટલી માતબર રકમ વસૂલાઇ છે.

આ વખતે ભારે વરસાદને કારણે શહેર, જીલ્લા ઉપરાંત હાઈવે પણ ધોવાયા હતા. રસ્તાની દુર્દશાને કારણે સરકાર પર ચારેકોરથી માછલાં ધોવાયા હતા, પરિણામે રાજ્ય સરકારે રસ્તાની મરામતને લઈને આદેશ આપવા પડ્યાં હતાં. એટલુ જ નહી, પ્રભારી મંત્રીઓને મત વિસ્તારમાં દોડાવી રસ્તાઓ વિશે જાણકારી મેળવી રિપોર્ટ કરવા સૂચના આપી હતી.
ગુજરાતમાં હાલ નેશનલ હાઇવે પર કુલ ૬૨ ટોલ
આ તરફ, વરસાદી પાણીથી નેશનલ હાઇવે પણ બાકાત રહી શક્યા ન હતા. અમદાવાદથી હિંમતનગર સુધી નેશનલ હાઇવે ખખડધજ બન્યો હતો તેમ છતાંય વાહનચાલકો નાછૂટકે ટોલટેક્સ ચૂકવવો પડ્યો હતો. હાઇવેના બિસ્માર હાલતને પગલે છેક દિલ્હી સુધી રજૂઆત થઈ હતી. આખરે ખુદ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ગાંધીનગર દોડી આવ્યા હતાં અને બેઠક યોજીને અધિકારીઓને હાઈવેના સમારકામને લઈને સૂચના આપવી પડી હતી.
ગુજરાતમાં હાલ નેશનલ હાઇવે પર કુલ ૬૨ ટોલ છે જ્યાં જીપ-કારથી માંડીને ભારે વાહનો પાસેથી રૂ. ૭૦ થી માંડીને રૂ.૫૦૦ સુધી ટોલ ટેક્સ લેવાય છે. વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાતમાં વાહનચાલકો પાસેથી રૂ. ૧૧૯૬ કરોડ ટોલટેક્સ વસૂલાયો હતો જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં ટોલટેક્સની બમણી વસૂલાત થઈ હતી. આ સમયગાળા દરમિયાન રૂ. ૨૧૧૩ કરોડ ટોલ ટેક્સનું ઉઘરાણું કરાયુ હતું. આ ઉપરાંત જે વાહનચાલકો પાસે ફાસ્ટટેગ ન હતો. તેમની પાસેથી રૂ. ૭૮.૫૮ કરોડ ખંખેરી લેવાયાં હતાં.
ટૂંકમાં, ઉખડખાબડ હાઇવે હોવા છતાંય વાહનચાલકોના પૈસે સરકારી તિજોરી છલકાઈ હતી. નોંધ લેવા જેવી વાત એ છે કે, હાઈવેના નિર્માણ પાછળ જેટલો ખર્ચ થયો છે જેના કરતાં ટોલટેક્સ ઉઘરાવી બમણી વસૂલાત કરાઈ છે. આધુનિકતાની વાતો કરાય છે પણ ગુજરાતમાં ફાસ્ટટેગ હોવા છતાંય ટોલનાકા પર વાહનોની લાંબી કતારો લાગે છે.