Last Updated on by Sampurna Samachar
મંદિરે દર્શન કરવા નીકળેલા મિત્રોને નડ્યો અકસ્માત
સરકારી બસ અને કાર વચ્ચે થઇ હતી ભયાનક ટક્કર
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગલુરુ શહેરના નેલમંગલા પાસે મધ્યરાત્રિએ એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. અહીં એક કાર અને કર્ણાટક રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની બસ વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, કાર બેંગલુરુ તરફ જઈ રહી હતી. આ દરમિયાન અચાનક કાર ડિવાઈડર સાથે અથડાઈને સામેની લેનમાં પહોંચી ગઈ હતી. જેના કારણે સામેથી આવી રહેલી બસે કારને જાેરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક ઘાયલ યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
પોલીસે અકસ્માતના કારણોની તપાસ હાથ ધરાઇ
મૃત્યુ પામેલા તમામ યુવાનોની ઉંમર ૧૭ થી ૨૨ વર્ષ વચ્ચે હતી. આ તમામ યુવાનો ડોડ્ડાબલ્લાપુરાના રહેવાસી અને મિત્રો હતા. રાહતની વાત એ રહી કે બસમાં સવાર તમામ ૪૩ મુસાફરો સુરક્ષિત છે. તેઓને અન્ય બસ દ્વારા આગળની મુસાફરી માટે રવાના કરવામાં આવ્યા હતા. મદનાયકનહલ્લી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કાર સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ છે. જેના પરથી પોલીસને આશંકા છે કે કારની ઝડપ ખૂબ વધારે હતી અને ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું.
જોઈન્ટ પોલીસ કમિશનર કાર્તિક રેડ્ડીએ જણાવ્યું કે, અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું કારમાં સવાર યુવાનો નશામાં હતા? આ માટે લોહીના નમૂના લેબમાં મોકલવામાં આવ્યા છે. મૃતકો પૈકીની એકની માતાએ જણાવ્યું કે તેનો પુત્ર મંદિરે જવાનું કહીને મિત્રો સાથે ઘરેથી નીકળ્યો હતો. તે સીસીટીવી કેમેરા ઓપરેટર તરીકે કામ કરતો હતો. માતાને એ જાણકારી નહોતી કે કાર કોની હતી.