Last Updated on by Sampurna Samachar
નોઈડામાં ડે-કેરમાં માસૂમ બાળકીને માર મારવાનો કિસ્સો
સમગ્ર ઘટના ડે કેરના સીસીટીવીમાં કેદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જે પેરેન્ટસ વર્કિંગ પેરેન્ટસ તે માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નોઈડા સેક્ટર-૧૩૭ની એક સોસાયટીમાં સ્થિત ડેકેરમાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જે કોઈપણને ચિંતામાં નાખી શકે છે. અહીં, એક મહિલા કેરટેકરે ૧૫ મહિનાની માસૂમ બાળકીને થપ્પડ મારી, બચકા ભર્યા, પ્લાસ્ટિકના પટ્ટાથી માર માર્યો અને જમીન પર પછાડી દીધી હતી. આ સમગ્ર ઘટના ડે કેરના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. માતા-પિતાની ફરિયાદ પર પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી.

આ મામલો સેક્ટર-૧૪૨ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ ઘટના ૪ ઓગસ્ટ ૨૦૨૫ની છે. જ્યારે છોકરીની માતા તેને ડે કેરમાંથી ઘરે લાવી ત્યારે તે સતત રડી રહી હતી. કપડાં બદલતી વખતે માતાએ જોયું કે છોકરીની બંને જાંઘ પર બચકા ભર્યાના નિશાન હતા. ડોક્ટરે કહ્યું કે આ દાંતના કરડવાના નિશાન હતા. શંકાના આધારે માતા-પિતાએ ડે કેરના સીસીટીવી જોયા, જેમાં કેરટેકર બાળકીને ર્નિદયતાથી માર મારતી અને જમીન પર પછાડતી જોવા મળી રહી છે.
આરોપી મહિલાને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવી
માતા-પિતાનો આરોપ છે કે ઘટના સમયે ડે કેરના વડાએ બાળકીને સંભાળવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. ફરિયાદ કરવા પર આરોપી મહિલા અને ડે કેરના વડાએ તેમને અપશબ્દોમાં ધમકી આપી હતી. આથી ગુસ્સે થઈને માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સેક્ટર-૧૪૨ પોલીસ સ્ટેશને તાત્કાલિક કાર્યવાહી કરી અને પીડિત છોકરીનું તબીબી પરીક્ષણ કરાવ્યું અને આરોપી મહિલાને કસ્ટડીમાં લીધી હતી.
પોલીસે જણાવ્યું કે ૪ ઓગસ્ટના રોજ પીડિતાના માતા-પિતા પાસેથી માહિતી મળી હતી કે તેમની ૧૫ મહિનાની બાળકીને ડે કેરમાં કેરટેકરે માર માર્યો હતો અને છોકરીના પગ પર બચકા ભર્યાના નિશાન છે. આ સંદર્ભે ફરિયાદના આધારે સેક્ટર-૧૪૨ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પીડિત બાળકીનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. સેક્ટર-૧૪૨ પોલીસ સ્ટેશને આરોપી મહિલાને પોલીસ કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.