Last Updated on by Sampurna Samachar
નારિયેળના વૃક્ષ સાથે અથડાઈ સ્કૂલ પર પડ્યું એરક્રાફ્ટ
દુર્ઘટનામાં ૧૯ લોકોના મોત તો ૧૬૦થી વધુ ઈજાગ્રસ્ત
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશ એરફોર્સનું એક F -૭ ટ્રેઈની વિમાન રાજધાની ઢાકાના ઉત્તરીય ક્ષેત્રમાં દિયાબારી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતુ . આ વિમાન માઈલસ્ટોન સ્કૂલ પરિસર પર ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ૧૯ લોકોના મોત થયા છે. જ્યારે ૧૬૦થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને ઢાકા મેડિકલ કોલેજ પાસે સ્થિત વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ આ ઘટનાની પુષ્ટી કરી હતી પણ દુર્ઘટનાના કારણો કે જાનહાનિ વિશે કોઈ માહિતી આપી નહોતી. જોકે મીડિયા એજન્સીના અહેવાલ અનુસાર સૈન્ય અને ફાયરબ્રિગેડના અધિકારીઓએ કહ્યું હતું કે, પ્રાથમિક અહેવાલો પ્રમાણે ૧૯ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત છે.
દુર્ઘટનાના કારણો વિશે કોઇ ચોક્કસ માહિતી નહીં
સરકારના કાયદાકીય સલાહકાર પ્રોફેસર આસિફ નઝરૂલે જણાવ્યું છે કે વિમાન ક્રેશ કેવી રીતે થયું તેની વિસ્તૃત તપાસ કરાશે. બાંગ્લાદેશમાં મંગળવારે રાષ્ટ્રીય શોક પાળવામાં આવશે. સરકારી, અર્ધસરકારી, શૈક્ષણિક સંસ્થાનો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ અફરાતફરી મચી ગઈ હતી.
માહિતી અનુસાર F- ૭ ફાઈટર જેટ ચીનનું વિમાન છે. દુર્ઘટનાની જાણકારી મળતાં જ બાંગ્લાદેશ સૈન્યના જવાન અને ફાયર સર્વિસ તથા સિવિલ ડિફેન્સની આઠ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
એક અધિકારીએ કહ્યું કે બપોરે અમને વિમાન દુર્ઘટના વિશે જાણકારી મળી હતી. જેના બાદ ત્રણ યુનિટને ઘટનાસ્થળે રેસ્ક્યૂ કામગીરી સોંપવામાં આવી હતી. જોકે બે અન્ય એકમ રોડના ભાગમાં તહેનાત છે. સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં માઇલસ્ટોન કોલેજના કેમ્પસમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જોકે જાનહાનિની સંખ્યા કે દુર્ઘટનાના કારણો વિશે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પાયલટની સ્થિતિ વિશે પણ કોઈ ચોક્કસ અહેવાલ સામે આવ્યા નથી.