Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાનમાં સેના વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો
મૃતક પરિવારો માટે ૧૦ લાખ વળતરની જાહેરાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાની તિરાહ ઘાટીમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા કત્લેઆમની ગવાહી સ્થાનિક પ્રતિનિધિઓ આપી રહ્યા છે. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે તેને પોતાના જ નાગરિકો પર ‘જેટ-બોમ્બિંગ‘ ગણાવ્યું. ખૈબર પખ્તુનખ્વા એસેમ્બલીના સભ્ય અબ્દુલ ગની આફ્રિદીએ સેનાના આ કૃત્ય પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, તિરાહ અકાખેલમાં નિર્દોષ બાળકો, યુવાનો અને મહિલાઓની ર્નિદયતાથી હત્યા એ માનવતા વિરુદ્ધનો સ્પષ્ટ ગુનો છે.
તિરાહ ઘાટીમાં પાકિસ્તાની વાયુસેનાએ JF-૧૭ ફાઇટર પ્લેનથી ૮ બોમ્બ ફેંક્યા, જેમાં ઓછામાં ઓછા ૩૦ લોકોના મોત થયા. મૃતકોમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. આ હુમલામાં ગામનો મોટો ભાગ તબાહ થઈ ગયો અને મૃતદેહોના ઢગલા થઈ ગયા.
મોટાભાગે મહિલાઓ અને નાના બાળકો હતા
રિપોર્ટર અને માનવાધિકાર કાર્યકર્તા ફિરોઝ બલોચે સોશિયલ મીડિયા પર આ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ બાળકોની હૃદયદ્રાવક તસવીરો શેર કરી છે, જે પાકિસ્તાની સેનાના ગુનાઓની પુષ્ટિ કરે છે. તેમણે જણાવ્યું કે બોમ્બમારામાં ૧૭ નિર્દોષ નાગરિકો શહીદ થયા, જેમાં મોટાભાગે મહિલાઓ અને નાના બાળકો હતા.
આ હુમલામાં આફ્રિદી કબીલાના લોકો સૌથી વધુ માર્યા ગયા છે. તેમણે ઘટનાસ્થળની કરુણ તસવીરો શેર કરી અને કહ્યું કે પાકિસ્તાની જેટ વિમાનોએ ઉપરી તિરાહ અકાખેલમાં પ્રલય જેવો માહોલ સર્જી દીધો છે. જ્યાં બાળકો હસતા હતા, ત્યાં હવે તેમની લાશો છે અને જ્યાં માતાઓ સપના જોતી હતી, ત્યાં હવે કાટમાળ અને ચીસો છે. તેમણે સવાલ કર્યો કે શું રમકડાંવાળા બાળકો કે ઇબાદત કરતી માતાઓ આતંકવાદી હતા? આ એક ખુલ્લો અત્યાચાર છે.
માનવાધિકાર કાર્યકર્તા જહનવાઝ વેષાએ પણ ટ્વીટ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સવાલ કર્યો છે. તેમણે જણાવ્યું કે રાત્રે લગભગ ૨ વાગ્યે પાકિસ્તાની વાયુસેનાએ ૮ LS -૬ બોમ્બ ફેંક્યા, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૩૦ લોકો માર્યા ગયા. તેમણે પૂછ્યું કે શું આ નિર્દોષ બાળકોને કોઈ અધિકાર નથી.
MQM નેતા મુસ્તફા અઝીઝાબાદીએ પાકિસ્તાની સરકારને આ ઘટનાનો જવાબ આપવા કહ્યું અને પ્રશ્ન પૂછ્યો કે શું આ નિર્દોષ બાળકો આતંકવાદી હતા. બીજી તરફ, ફહીમ મરવતે પાકિસ્તાની સેનાને સીધી રીતે દોષી ઠેરવીને કહ્યું કે સેનાના જૂઠાણા નરસંહારને છુપાવી શકશે નહીં.
આ દરમિયાન, ખૈબર પખ્તુનખ્વા સરકારે પોતાની ભૂલ સ્વીકારી છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, જેટ વિમાનોએ ચાર ઘરોને નિશાન બનાવ્યા હતા જે સંપૂર્ણ નાશ પામ્યા. મુખ્યમંત્રી અલી અમીન ગંદાપુરે મૃતક પરિવારો માટે ૧૦ લાખ પાકિસ્તાની રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.