Last Updated on by Sampurna Samachar
ઘટનાસ્થળથી પોલીસ સ્ટેશન નજીક હોવા છતાં પોલીસ યુવકને બચાવી ન શકી
ટોળાએ હરિઓમને એટલો માર માર્યો કે તેનું મોત થયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં દલિત વ્યક્તિ હરિઓમની માર મારીને કરાયેલી હત્યાના કેસમાં એક નવો ખુલાસો થયો છે. જ્યારે ટોળાએ હરિઓમને મારતા પહેલા પકડ્યો હતો, ત્યારે પોલીસ ત્યાં પહોંચી હોવા છતાં, તેણે હરિઓમને બચાવ્યો નહીં કે કોઈ કાર્યવાહી કરી નહીં, તેવો આરોપ છે.
કથિત રીતે, પોલીસ તેને ટોળા પાસે જ છોડીને ત્યાંથી જતી રહી હતી.જે રાત્રે ટોળાએ હરિઓમને ઘેર્યો હતો, ત્યારે એક વ્યક્તિએ પોલીસને આ ઘટના અંગે સૂચના આપી હતી. તેણે કહ્યું હતું કે, એક ચોરને ૫૦-૬૦ લોકોએ ઘેરી રાખ્યો છે.‘ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળથી માંડ ૧૦ મિનિટના અંતરે હતું, પરંતુ ૪૫ મિનિટ સુધી કોઈ આવ્યું નહીં.
૩ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા
ત્યારબાદ પોલીસને ફરીથી ફોન કરવામાં આવ્યો. પછી પોલીસ રિસ્પોન્સ વ્હીકલમાં કેટલાક પોલીસકર્મીઓ અને હોમગાર્ડ ત્યાં આવ્યા. તેમણે હરિઓમની પૂછપરછ કરી. જાણવા મળ્યું કે તે માનસિક રીતે સ્વસ્થ નહોતો. આના પર એક હોમગાર્ડે તેને પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી, પરંતુ બીજા પોલીસકર્મીએ ના પાડી દીધી અને ગાડીમાં બેઠા બેઠા કહ્યું કે ‘આને જવા દો, જ્યાં જવું હશે ત્યાં જતો રહેશે.‘ પોલીસના ગયા પછી ટોળાએ હરિઓમને એટલો માર માર્યો કે તેનું મોત થયું.
નવી માહિતી સામે આવ્યા પછી હવે સમગ્ર મામલે પોલીસની ભૂમિકા પર સવાલો ઊભા થયા છે. મૃતક હરિઓમની બહેને પણ કહ્યું છે કે, ‘ઘટના સમયે પોલીસ હાજર હતી. જો તેણે સમયસર પગલાં લીધાં હોત તો મારા ભાઈનો જીવ બચી જાત.‘
બીજી તરફ, રાયબરેલી પોલીસે ૬ ઓક્ટોબરની રાત્રે ૧૧ વાગે સોશિયલ મીડિયા પર માહિતી આપી કે કેસમાં ૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. ૩ પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલો ૨ ઓક્ટોબરની રાતનો છે, જ્યારે રાયબરેલીમાં એક દલિત વ્યક્તિ હરિઓમની ચોર સમજીને કેટલાક લોકોએ માર મારીને હત્યા કરી દીધી હતી.
૩ ઓક્ટોબરના રોજ આવેલા પહેલા વીડિયોમાં હરિઓમ ઈજાગ્રસ્ત હાલતમાં જમીન પર લોહીલુહાણ પડેલો હતો અને એક શખ્સ તેની ગરદન પર પગ મૂકીને ઊભો હતો.
૪ ઓક્ટોબરના બીજા વીડિયોમાં, માર મારતા ટોળાએ નામ પૂછતાં હરિઓમે ચીસ પાડીને ‘રાહુલ ગાંધી‘ કહ્યું હતું. તેના જવાબમાં ટોળામાંથી કોઈ વ્યક્તિએ ‘અહીં બધા બાબાવાળા (યોગી આદિત્યનાથના સમર્થક) માણસો છે‘ તેવું કહ્યું હતું.