Last Updated on by Sampurna Samachar
મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રકની ટક્કરથી કાર અકસ્માત
કેમેરા ફૂટેજમાં જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ગંભીર
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરબી શહેરની મહેન્દ્રનગર ચોકડી પાસે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. રોડ ક્રોસ કરવા માટે ઉભેલી એક કારને પાછળથી આવતા ટ્રકે જોરદાર ટક્કર મારતા કાર પચાસ ફૂટ સુધી રોડ પર ઢસડાઈ હતી. આ સમગ્ર ઘટનાના કેમેરા ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ, મહેન્દ્રનગર ચોકડી પાસે એક કાર ચાલક રોડ ક્રોસ કરવા માટે પોતાની કાર ઉભી રાખીને યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ટ્રેલરે આગળ ઉભેલા ટ્રક ટ્રેલરને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતો વધતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો
આ ટક્કર એટલી પ્રચંડ હતી કે આગળ રહેલો ટ્રક સીધો જ કાર સાથે અથડાયો હતો. ટ્રકની ટક્કર લાગતા જ કાર આગળની તરફ ધકેલાઈ હતી અને લગભગ ૫૦ ફૂટ દૂર સુધી રોડ પર ઢસડાઈ હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ગંભીર હતો.
સદનસીબે આટલા મોટા અકસ્માતમાં પણ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે એક ચમત્કાર સમાન માનવામાં આવે છે.આ અકસ્માત કઈ તારીખે અને કયા સમયે બન્યો હતો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, પરંતુ હાલમાં આ સીસીટીવી ફૂટેજ મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં વાયરલ થઈ રહ્યા છે. ટ્રાફિકથી ધમધમતી મહેન્દ્રનગર ચોકડી પર આ પ્રકારના અકસ્માતો વધતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.