Last Updated on by Sampurna Samachar
પાડોશમાં રહેતા આધેડને મોતને ઘાટ ઉતાર્યો
પોલીસે આરોપીને પકડી લીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
એક જ ફળીયામાં રહેતા ૨ પરિવાર વચ્ચે દોઢ વર્ષ પહેલા થયેલ એક બબાલના કારણે ફરી એક લોહિયાળ જંગ ખેલાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઝઘડાના કારણે બે પરિવારોમાં માતમ અને અંધકાર છવાયો ગયો. અંગત અદાવતમાં ખાર રાખી બદલાની આગમાં તકની રાહ જોતા પાડોશીએ બીજા પાડોશીની જ હત્યા કરી નાખી છે.
વલસાડ જિલ્લાના ધરમપુરના બામટી ગામમાં આધેડની હત્યા થતા ગામમાં ચકચાર મચી ગઈ હતી. બનાવની વિગતે વાત કરીએ તો ધરમપુરના બામટી ગામમાં રહેતા ચંદુભાઇ પટેલ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે જ નીતિન મોહન પટેલ નામનો એક યુવક પણ સામેથી આવી રહ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે જૂની અદાવતને લઈ બોલાચાલી થઈ હતી.
લાકડાના ફટકા મારી કર્યા ઘાયલ
આવેશમાં આવી નીતિન પટેલે ચંદુભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. લાકડાના ફટકા મારતા ચંદુભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતા જ ગામ લોકો એકઠા થયા હતા. ચંદુભાઈના પુત્ર અને તેમના પત્નીએ બાઈક પર જ લઈ જઈ ધરમપુરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જોકે વધુ સારવારની જરૂર જણાતાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સારવાર દરમિયાન ચંદુભાઈ પટેલનું કરુણ મોત નીપજ્યું હતું.
ધરમપુરના નાનકડા બામટી ગામે એક હત્યાની ઘટના બાદ ધરમપુર પોલીસ પણ દોડતી થઈ હતી. અને આરોપી નીતિન પટેલને ઝડપવા તપાસ હાથ કરી હતી. પોલીસે ઘટનાની તપાસ કરતા ચોંકાવનારુ કારણ સામે આવ્યુ હતું. મૃતક ચંદુભાઈના પુત્ર અને આરોપી નીતિન પટેલ વચ્ચે એક લગ્ન પ્રસંગમાં નાચવાની બાબતે બબાલ થઈ હતી. તે દરમિયાન બંને વચ્ચે મારામારી પણ થઈ હતી. દોઢ વર્ષ અગાઉ બનેલી આ ઘટના બાદ બંને વચ્ચે અંગત અદાવત ચાલતી હતી.
બનાવ વખતે આરોપી અને ચંદુભાઈ રસ્તા પર સામસામે આવી જતા બંને વચ્ચે ફરી ઉગ્ર બોલાચાલી થતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. જેમાં ચંદુભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ધરમપુર પોલીસે સઘન તપાસ કરી આરોપીને ઝડપી લીધો છે. પોલીસે આરોપી નીતિનને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. બનાવની દિવસે શું બન્યું હતું. કઈ રીતે આધેડ ચંદુ ભાઈ પર નીતિને હુમલો કર્યો હતો. જાણવા ધરમપુર પોલીસે વધુ તપાસ શરુ કરી છે.