Last Updated on by Sampurna Samachar
બિભત્સ ક્લિપ વાયરલ કરનાર નરાધમ ઝડપાયો
લગ્નના બહાને આરોપીએ યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમમાં અંધ બનેલા એક યુવકે બદલાની ભાવનામાં યુવતીની બિભત્સ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધી હતી. જાેકે, સુરતની મહિધરપુરા પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને મહેસાણાથી દબોચી લેવામાં આવ્યો છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી કરણ નરેશભાઈ દંતાણી દ્વારા ભોગ બનનારી યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી. લગ્નના બહાને આરોપીએ યુવતી સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ દરમિયાન આરોપીએ કેટલીક અંગત પળોની બિભત્સ ક્લિપ્સ પણ બનાવી લીધી હતી.સમય જતાં યુવતીને કોઈ કારણોસર આરોપીના ઈરાદા પર શંકા જતા તેણે સંબંધ તોડી નાખવાનો ર્નિણય કર્યો હતો.
મહિધરપુરા પોલીસ એક્શનમાં
બ્રેકઅપ બાદ ઉશ્કેરાયેલા કરણ દંતાણીએ યુવતીને બદનામ કરવાના બદ ઈરાદે આ બિભત્સ ક્લિપ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરી દીધી હતી. પોતાની આબરૂના ધજાગરા થતા જોઈ પીડિતાએ હિંમત ભેગી કરી મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા મહિધરપુરા પોલીસ એક્શનમાં આવી હતી. આરોપી ધરપકડથી બચવા માટે ભાગતો ફરતો હતો, પરંતુ પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને લોકેશન ટ્રેસિંગ દ્વારા આરોપી કરણને મહેસાણા જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યો છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે, આરોપીએ અન્ય કોઈને પણ આ રીતે શિકાર બનાવ્યા છે કે કેમ?