Last Updated on by Sampurna Samachar
આ વર્ષે કુલ ૮૦ જેટલી પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી
DEO એ વિશેષ પ્રશ્નબેંક ૨૦૨૬ જાહેર કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સતત ચોથા વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રશ્નબેંક ૨૦૨૬ જાહેર કરવામાં આવી છે. આ પ્રશ્નબેંકની મદદથી વિદ્યાર્થીઓ પરીક્ષાના અંતિમ સમયમાં સચોટ રિવિઝન કરી શકશે.

વિદ્યાર્થીઓની સુવિધા માટે આ વર્ષે કુલ ૮૦ જેટલી પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી છે. જેમાં નીચે મુજબનો સમાવેશ થાય છે. ધોરણ ૧૦માં મુખ્ય વિષયોનું સંકલન, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી જેવા વિષયો. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં કોમર્સ અને આર્ટ્સના મહત્વના વિષયો અને પ્રત્યેક ધોરણ દીઠ મુખ્ય ૬ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ તેનો લાભ મેળવી શકશે
માત્ર પ્રશ્નો જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને તૈયારીમાં સરળતા રહે તે માટે પ્રશ્નોની સાથે તેના જવાબો પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, સ્વ-મૂલ્યાંકન માટે દરેક વિષયના બે આદર્શ પ્રશ્નપત્રો પણ સામેલ કરવામાં આવ્યા છે, જેનો મહાવરો વિદ્યાર્થીઓને પરીક્ષાના માહોલનો અનુભવ કરાવશે.
આ પ્રશ્નબેંક માત્ર અમદાવાદ શહેર પૂરતી મર્યાદિત નથી, પરંતુ ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ તેનો લાભ મેળવી શકશે.આ પ્રશ્નબેંકની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને વિષયના તજજ્ઞ અને અનુભવી શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવી છે.
બોર્ડની પરીક્ષાની પદ્ધતિ અને બ્લુપ્રિન્ટને ધ્યાનમાં રાખીને પ્રશ્નોની પસંદગી કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધી શકે.ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ આ તમામ મટીરીયલ ઓનલાઈન મેળવી શકશે.
DEO કચેરી દ્વારા આ પ્રશ્નબેંકને ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકવામાં આવી છે, જેથી રાજ્યના કોઈપણ છેડે બેઠેલો વિદ્યાર્થી તેને ડાઉનલોડ કરી શકે અને પોતાના મોબાઈલ કે ટેબ્લેટ દ્વારા રિવિઝન કરી શકે. છેલ્લા ત્રણ વર્ષની સફળતા બાદ, આ વર્ષે પણ આ પ્રશ્નબેંક વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં ‘માર્ગદર્શક’ સાબિત થશે તેવી આશા રાખવામાં આવી રહી છે.