Last Updated on by Sampurna Samachar
સૈન્યમાં વધુ વજન ધરાવતા અધિકારીઓની છટણી
સરકારે નવા નિયમ જાહેર કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે હાલમાં જ અમેરિકન સશસ્ત્ર દળોમાં એક નવા યુગની શરુઆતની જાહેરાત કરી. વર્જિનિયાના ક્વોન્ટિકોમાં યોજાયેલી ઉચ્ચ-સ્તરીય સૈન્ય કમાન્ડરોની બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, સૈન્યમાં વધુ વજન ધરાવતા એટલે કે મેદસ્વી, સ્થૂળ જનરલો અને એડમિરલોની હાજરી હવે સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય ગણાશે. જે અધિકારીઓ આ નવા નિયમો સાથે સંમત નથી, તેમણે સ્વેચ્છાએ પોતાના પદો છોડી દેવા જોઈએ.
સંરક્ષણ સચિવ પીટ હેગસેથે લશ્કરમાં ‘જાડિયા જનરલો’ અંગે સરકારના વલણને સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, ‘અમેરિકાના સેનામાં હવે ફિટનેસ અને વ્યાવસાયિક દેખાવને પ્રાધાન્ય અપાશે. જે અધિકારીઓ નવા નિયમોને ટેકો આપવા નથી માંગતા તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. વધુ વજનવાળા સૈનિકોની હાજરી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.’
નવી નીતિને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પૂર્ણ સમર્થન
સંરક્ષણ સચિવે સ્પષ્ટ કર્યું હતું કે, સેનાના તમામ દળમાં સૈનિક પુરુષ હોય કે સ્ત્રી તેમણે એકસમાન ફિટનેસ ધોરણો પાર પાડવા પડશે. આ ફેરફારનો હેતુ સૈન્યની લડાઈ ક્ષમતા વધારવાનો છે. આમ કરવામાં સ્ત્રી સૈનિકોની ક્ષમતા પર શંકા કરવાનો કે તેમની પ્રગતિ અવરોધવાનો ઇરાદો નથી, પરંતુ સ્ત્રી સૈનિકોની શારીરિક ક્ષમતાઓને વધુ ઊંચા સ્તરે લઈ જવાનો પ્રયાસ છે. નવા નિયમો મુજબ હવે વ્યાવસાયિક દેખાવ મહત્ત્વનો રહેશે. દાઢી અને ટાલવાળા દેખાવને હવે અવ્યવસાયિક ગણાશે.
સંરક્ષણ સચિવ પીટ હેગસેથે કહ્યું હતું કે, ‘અવ્યવસાયિક દેખાવનો યુગ સમાપ્ત થઈ ગયો છે. તાજેતરના વર્ષોમાં અમેરિકાના સૈન્ય દળોને ખોટી દિશામાં લઈ જવામાં આવ્યા છે. હું જાણું છું કે તમારામાંથી મોટા ભાગના લોકો આનાથી વિપરીત વિચારે છે, પણ હવેથી પેન્ટાગોનમાં વધુ વજનવાળા જનરલો અને એડમિરલોને જોવા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.’
આ નવી નીતિને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પૂર્ણ સમર્થન છે. ક્વોન્ટિકોની બેઠકમાં ટ્રમ્પે પણ ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘સૈન્યમાં પદો યોગ્યતાના આધારે જ આપવામાં આવશે, રાજકીય વિચારધારાના આધારે નહીં. અમે કોઈને રાજકીય કારણોસર તમારું સ્થાન લેવાની મંજૂરી આપીશું નહીં.’
એટલું જ નહીં, ટ્રમ્પે સૈન્ય અધિકારીઓને સ્પષ્ટ ભાષામાં ચેતવણી આપતાં કહ્યું કે, ‘જાે તેઓ આ નિયમોને નાપસંદ કરતા હોય તો તેમણે નોકરી છોડી દેવી જોઈએ, પણ એમ કરવામાં તેઓ તેમનું પદ અને સારું ભવિષ્ય ગુમાવશે.’ રિપબ્લિકન નેતાઓએ નવી નીતિનું સમર્થન કર્યું હતું અને તેને ‘તાજી હવા’ ગણાવી હતી, જ્યારે વિરોધ પક્ષના ડેમોક્રેટિક નેતાઓએ આ નિયમને ખતરનાક અને સરમુખત્યારશાહી ગણાવી હતી.