Last Updated on by Sampurna Samachar
રાહુલ ગાંધી સામે સવાલ ઉઠાવનારા મંત્રી રાજન્નાનું રાજીનામું
રાજન્નાને પદ પરથી જ દૂર થવા મજબૂર કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના અંગત નેતાઓ પૈકી એક અને રાજ્યના સહકારિતા મંત્રી કે. રાજન્નાને રાજીનામું આપવા આદેશ આપવામાં આવ્યો છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની મત ચોરીના આરોપો પર સવાલ ઉઠાવવા બદલ મંત્રીને ભારે કિંમત ચૂકવવી પડી છે. તેમના રાજીનામાની રાજકારણમાં ચર્ચા થઈ રહી છે. રાજીનામું આપતાં પહેલા મંત્રી રાજન્નાએ વિધાનસભામાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુલાકાત પણ લીધી હતી. વિધાનસભા સેશન દરમિયાન ભાજપે આ મામલો ઉઠાવ્યો હતો. તેમજ રાજીનામા પર સવાલો પણ ઉઠાવ્યા હતા.
ભાજપે વિધાનસભામાં પૂછ્યું હતું કે, અચાનક મંત્રી પાસેથી રાજીનામું કેમ લેવામાં આવ્યું, સરકારે આ અંગે માહિતી આપવી પડશે. બીજી તરફ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, રાજન્નાને મત ચોરીના આરોપોમાં સવાલો પૂછવા ભારે પડ્યા છે. રાહુલ ગાંધીએ ગત સપ્તાહે કર્ણાટકનું ઉદાહરણ આપતાં આરોપ મૂક્યો હતો કે, એક લાખ મતની ચોરી થઈ છે.
રાજ્ય સરકારમાં મોટા ફેરફારો હાથ ધરાશે
તેના પર સવાલ ઉઠાવતાં રાજન્નાએ કહ્યું હતું કે, જો કર્ણાટકમાં મતની ચોરી થઈ છે, તો તેની જવાબદારી આપણી સરકારે પણ લેવી જોઈએ. કર્ણાટકમાં વોટર લિસ્ટ રિવિઝન કોંગ્રેસ સરકારના સમયમાં થયુ હતું. એવામાં કોંગ્રેસ સરકારની પણ જવાબદારી હતી કે, તે મતદાર યાદીને તૈયાર કરવાની પ્રક્રિયા પર નજર રાખે. જો ત્યારે સવાલ ઉઠાવવામાં આવ્યો હોત તો આ સમસ્યા ન સર્જાતી.
કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના જ મંત્રી દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીના આક્ષેપો સામે સવાલો ઉઠાવવામાં આવતાં રાજકારણ ગરમાયું છે. તેમજ રાજન્નાને પદ પરથી જ દૂર થવા મજબૂર કર્યા. રાજન્નાએ કહ્યું હતું કે, કર્ણાટકમાં વોટર લિસ્ટમાં સંશોધન આપણી સરકારના સમયે થયુ હતું. ત્યારે આપણા પક્ષે પણ આંખે પાટા બાંધી લીધા હતાં. મતદારની યાદીમાં ગેરરીતિઓ થઈ છે, પરંતુ ચિંતાનો વિષય એ છે કે ,આ બધુ આપણી સામે થયું. આ મામલે કોંગ્રેસ સમય સૂચકતા સાથે જવાબદારી નિભાવી શકી નહીં.
કે. રાજન્ના છેલ્લા બે મહિનાથી ચર્ચામાં હતા. તે સિદ્ધારમૈયાના નજીકના નેતાઓ પૈકી એક છે. તેઓ છેલ્લા બે મહિનાથી સતત કહી રહ્યા હતા કે, ઓગસ્ટમાં ક્રાંતિ થવાની છે અને સરકારમાં મોટા ફેરફારો થશે. તેનાથી લોકોએ તારણ કાઢ્યું હતું કે, રાજ્ય સરકારમાં મોટા ફેરફારો હાથ ધરાશે. પરંતુ કોઈને અંદાજ ન હતો, રાજન્ના પાસેથી જ રાજીનામું લેવામાં આવશે.