Last Updated on by Sampurna Samachar
અંધાધૂંધ ગોળીબારમાં બે મહિલાઓ સહિત ત્રણના મોત
બંને જૂથો આમનેસામને આવી ગયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબના લુધિયાણામાં મોડી રાત્રે એક લગ્ન સમારોહ ગેંગવોરનું મેદાન બની ગયો હતો, જ્યારે ગેંગસ્ટરોના બે જૂથો વચ્ચે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા હતા. આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે, જેમને લુધિયાણાની ડીએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, લુધિયાણાના પક્ખોવાલ રોડ પર આવેલા બાથ કેસલ પેલેસમાં કોન્ટ્રાક્ટર વરિન્દર કપૂરના ભત્રીજાના લગ્નનો સમારોહ ચાલી રહ્યો હતો. આ સમારોહમાં યજમાને અંકુર ગેંગ અને શુભમ મોટા ગેંગ, એમ બંને જૂથોને આમંત્રણ આપ્યું હતું. અંકુર ગેંગના સભ્યો પહેલેથી જ પાર્ટીમાં હાજર હતા. મોડી રાત્રે જ્યારે શુભમ મોટા ગેંગના સભ્યો ત્યાં પહોંચ્યા, ત્યારે બંને જૂથો આમનેસામને આવી ગયા હતા.
ઉદ્યોગપતિ જે.કે. ડાબર સહિત અન્ય ઘણા લોકો ઘાયલ
જોતજોતામાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ અને મામલો એટલો વણસ્યો કે બંને તરફથી ગોળીબાર શરૂ થઈ ગયો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, લગભગ ૬૦ રાઉન્ડથી વધુ ફાયરિંગ થયું હતું, જેના કારણે લગ્ન સમારોહમાં ભાગદોડ મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા માટે ચીસો પાડતા આમતેમ દોડવા લાગ્યા હતા. આ ક્રોસ ફાયરિંગની ઝપેટમાં આવીને બે મહિલાઓ સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
આ ઘટનામાં ઉદ્યોગપતિ જે.કે. ડાબર સહિત અન્ય ઘણા લોકો પણ ગોળી વાગવાથી ઘાયલ થયા હતા. મૃતકોમાંના એક યુવકની ઓળખ વાસુ તરીકે થઈ છે, જેનું ડીએમસી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મૃતક મહિલાઓ અને અન્ય ઘાયલોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.