Last Updated on by Sampurna Samachar
ખેલાડીઓએ મુંબઈના તીખા-ચટાકેદાર સ્ટ્રીટ ફૂડનો આનંદ માણ્યો
સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
આગામી T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ભારત આવી પહોંચેલી અમેરિકન ક્રિકેટ ટીમ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે ભારતીય ટીમ સામેની પ્રેક્ટિસ મેચ પૂર્ણ કર્યા બાદ, અમેરિકાના ખેલાડીઓ મુંબઈમાં ‘પાણીપુરી‘ સ્ટોલ પર જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોમાં ખેલાડીઓ સ્થાનિક સ્ટોલ પર ઊભા રહીને મુંબઈના તીખા-ચટાકેદાર સ્ટ્રીટ ફૂડનો આનંદ માણ્યો હતો.

અમેરિકાની વર્તમાન ટીમમાં મોટાભાગના ખેલાડીઓ ભારતીય મૂળના છે, જેમના માટે આ મુલાકાત ભાવનાત્મક પણ છે. કેપ્ટન મોનંક પટેલ ,સૌરભ નેત્રાવલકર, હરમીત સિંહ અને મિલિંદ કુમાર સહિત ટીમના કુલ ૯ ખેલાડીઓ ભારતીય મૂળના છે. આમાંના કેટલાક ખેલાડીઓ અગાઉ ભારત માટે અંડર-૧૯ સ્તરે રમી ચૂક્યા છે, તેથી મુંબઈના સ્ટ્રીટ ફૂડનો સ્વાદ તેમના માટે બાળપણની યાદો તાજી કરનારો રહ્યો હતો.
અમેરિકન ટીમે ભારતીય ખેલાડીઓને જોરદાર લડત આપી
માત્ર ખાણી- પીણીમાં જ નહીં, પરંતુ મેદાન પર પણ અમેરિકન ટીમે ભારતીય ખેલાડીઓને જોરદાર લડત આપી હતી. ભારત ટીમે આપેલા ૨૩૮ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા અમેરિકાએ હિંમતભર્યું પ્રદર્શન કર્યું હતું. એન્ડ્રિસ ગૌસે ૪૪ રન અને સંજય કૃષ્ણમૂર્તિએ માત્ર ૧૮ બોલમાં ૪૧ રનની તોફાની ઇનિંગ રમી હતી. જોકે, અમેરિકા ૩૮ રનથી આ મેચ હારી ગયું હતું, પણ તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે.
T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં USA ને ગ્રુપ-A માં સ્થાન મળ્યું છે. તેમનો પ્રવાસ અત્યંત રોમાંચક રહેવાનો છે. પહેલી મેચ સાતમી ફેબ્રુઆરીએ મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ USA. આ ગ્રુપમાં પાકિસ્તાન, નેધરલેન્ડ અને નામિબિયા જેવી ટીમોનો પણ સમાવેશ થાય છે.