Last Updated on by Sampurna Samachar
RTO સર્કલ અને ફાયર સ્ટેશન પાસેના ગેરકાયદે દબાણોનો સફાયો
તંત્ર દ્વારા પતરાના શેડ તોડી પાડવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં ટ્રાફિક અને જાહેર માર્ગો પર થતી અડચણો દૂર કરવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભુજ નગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા RTO સર્કલ અને ફાયર સ્ટેશન આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની મોટી કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ખાસ કરીને ફાયર સ્ટેશનની બિલકુલ સામે આવેલા ગેરકાયદેસર દબાણોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

અનેક દુકાનદારોએ રસ્તા અને ફૂટપાથ પર અતિક્રમણ કરીને જે પતરાના શેડ બનાવ્યા હતા, તેને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ફૂટપાથ પર પથરાયેલા ગેરકાયદે ઓટલા અને અન્ય કાચા-પાકા બાંધકામોનો પણ સફાયો કરવામાં આવ્યો હતો. RTO સર્કલ એ શહેરનો વ્યસ્ત વિસ્તાર હોવાથી ત્યાં દબાણોના કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી.
અચાનક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફાળ પડી ગઈ
ફૂટપાથ ખુલ્લી થવાથી રાહદારીઓને ચાલવામાં સરળતા રહેશે અને રોડની પહોળાઈ વધતા વાહનવ્યવહાર વધુ સુગમ બનશે. તંત્રની આ અચાનક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફાળ પડી ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારે ગેરકાયદે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે જેથી શહેરના સૌંદર્ય અને વ્યવસ્થા જળવાઈ રહે.