Last Updated on by Sampurna Samachar
વાઘોડિયા રોડ પર અંબિકા એપાર્ટમેન્ટની બાલ્કની ધરાશાયી
કડકડતી ઠંડી અને અચાનક આવેલા આ સંકટને કારણે સ્થાનિકો પોતાના સામાન સાથે સગા-સંબંધીઓને ત્યાં આશરો લેવા મજબૂર બન્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ અંબિકા એપાર્ટમેન્ટમાં ગત મોડી રાત્રે બાલ્કની ધરાશાયી થવાની ઘટનાને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી. એપાર્ટમેન્ટનો એક મોટો હિસ્સો તૂટી પડતા એક મહિલાને ઈજા પહોંચી હતી.

આ ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા તાત્કાલિક ૩૦ જેટલા મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા છે.સમગ્ર મામલે પાલિકાના કાર્યપાલક ઈજનેર અનુપ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે આ અંગેનો કોલ મળ્યો હતો.
પરિવારો અચાનક જ ઘર વિહોણા બન્યા
બિલ્ડીંગ અંદાજે ૨૦ થી ૨૫ વર્ષ જૂનું છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન ચલાવી લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હવે બિલ્ડીંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવવામાં આવશે અને તે રિપોર્ટ આવ્યા બાદ જ આગળનો ર્નિણય લેવામાં આવશે.
મકાન ધરાશાયી થવાની અને રહીશોને ઘર ખાલી કરવાની ફરજ પડાતા ૩૦ જેટલા પરિવારો અચાનક જ ઘર વિહોણા બન્યા છે. કડકડતી ઠંડી અને અચાનક આવેલા આ સંકટને કારણે સ્થાનિકો પોતાના સામાન સાથે સગા-સંબંધીઓને ત્યાં આશરો લેવા મજબૂર બન્યા છે. તંત્ર દ્વારા નોટિસ આપવાની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે.