Last Updated on by Sampurna Samachar
ફિલ્મ જગતના એકટર પરેશ રાવલની વિવાદિત વાત
યુટ્યૂબર રાજ શર્માને એક ઈન્ટરવ્યૂમાં કહ્યા વિચારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલિવૂડના દિગ્ગજ એક્ટર પરેશ રાવલ પોતાની એક્ટિંગ સિવાય સ્પષ્ટ વક્તા તરીકે પણ જાણીતા છે. હાલમાં જ એક્ટરે ઈન્ડસ્ટ્રીના સૌથી વિવાદસ્પદ મુદ્દે એવોર્ડ લોબિંગ પર વાત કરી હતી. પરેશ રાવલે માત્ર ભારતીય એવોર્ડ જ નહીં પરંતુ વિશ્વના સૌથી સવર્શ્રેષ્ઠ ઓસ્કાર એવોર્ડને લઈને પોતાના વિચારો શેર કર્યા છે.

કન્ટેન્ટ ક્રિએટર અને યુટ્યૂબર રાજ શર્માને એક ઈન્ટરવ્યૂમાં પરેશ રાવલે એવોર્ડ પર પોતાના વિચારો શેર કર્યા હતા. પરેશ રાવલે કહ્યું કે, મને એવોર્ડ વિશે વધુ માહિતી નથી. પરંતુ એક વાત હું કહીશ કે, રાષ્ટ્રીય પુરસ્કારમાં થોડું ઘણુ લોબિંગ થાય છે. પણ બીજા પુરસ્કારોમાં જેટલું થાય છે, તેટલું નહી. બીજા પુરસ્કારો વિશે વાત કરવાથી કોઈ ફરક પડતો નથી. પણ રાષ્ટ્રીય પુરસ્કાર એક રાષ્ટ્રીય પુરસ્કાર છે, તેની પ્રતિષ્ઠા છે.
ઓસ્કાર માટે પણ લોબિંગ થઈ રહ્યું છે
એક્ટરે આગળ કહ્યું કે, લોબિંગ ખૂબ જ વધી રહ્યું છે. ઓસ્કાર માટે પણ લોબિંગ થઈ રહ્યું છે. તેમણે આગળ સમજાવ્યું કે, આ કેવી રીતે થાય છે, હા, ભાઈ, આ રાજની ફિલ્મ છે. ચાલો એકેડેમીના બધા સભ્યોને એકત્ર કરીએ. આ પુરસ્કાર અંગે પરેશ રાવલે કહ્યું, તેમના માટે, સાચી ઓળખ એક અલગ સોર્સમાંથી આવે છે.
આ એવોર્ડ કોઈ એક સમુદાય તરફથી મળેલી સ્વીકૃતિ છે. પરંતુ મારા માટે સમુદાય કોણ છે? દિગ્દર્શકો. જ્યારે દિગ્દર્શક કટ કહે છે, જ્યારે લેખક કહે છે કે, તેઓ મારા કામથી ખુશ છે, ત્યારે મને મારો એવોર્ડ મળે છે. ત્યાં મારી ઇચ્છા, મારી ડ્રાઈવ બધું જ અટકી જાય છે. હું હવે તેને આગળ જોવા નથી માંગતો.
પરેશ રાવલે કહ્યું, મારા કામને મારા દિગ્દર્શકો અને લેખકો કરતાં વધુ સારી રીતે કોઈ સમજી શકતું નથી. જ્યારે તેઓ મારી પ્રશંસા કરે છે, ત્યારે વાત પુરી થઈ જાય છે અને જો કેટલાક લોકો જેમનો હું ખરેખર આદર કરું છું તેઓ પણ મારા કામને સ્વીકારે છે, તો તે અંતિમ વાત છે.