Last Updated on by Sampurna Samachar
પહલગામ આંતકી હુમલાને મામલે વધુ મોટો ખુલાસો
NIA એ આ સ્થાનિક વ્યક્તિને શોધી કાઢ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહેલગામમાં ૨૨ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાના એક સાક્ષીએ તપાસ એજન્સીઓને ચોંકાવનારા નિવેદનો આપ્યા છે. જેમાં ૨૬ નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મુખ્ય સાક્ષીએ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને જણાવ્યું હતું કે હુમલા પછી ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓએ ઉજવણીમાં હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
જમ્મુ અને કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓની મદદથી, NIA એ આ સ્થાનિક વ્યક્તિને શોધી કાઢ્યો, જેને હવે સ્ટાર પ્રોટેક્ટેડ સાક્ષીનો દરજ્જો આપવામાં આવ્યો છે. હુમલાની થોડી મિનિટો પછી જ તે આતંકવાદીઓ સામ-સામે આવી ગયા હતા.
લશ્કર-એ-તૈયબા સાથેના કનેક્શની પુષ્ટિ થઈ
એક અહેવાલમાં, તપાસ અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, સાક્ષીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ તેને રોક્યો હતો અને કલમાનો પાઠ કરવાનું કહ્યું હતું. જ્યારે તેણે સ્થાનિક કાશ્મીરી ઉચ્ચારણમાં પાઠ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેઓએ તેને છોડી દીધો અને તરત જ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું. સાક્ષીના નિવેદનના આધારે ઘટનાસ્થળેથી ચાર ખાલી કારતૂસ મળી આવ્યા છે, જે તે ઉજવણીના ગોળીબાર સાથે સંબંધિત છે.
આ ઉપરાંત, સાક્ષીએ એમ પણ જણાવ્યું કે તેણે સ્થાનિક આરોપીઓ પરવેઝ અહમદ જોથર અને બશીર અહમદને એક ટેકરી પાસે ઉભા જોયા જ્યાં તેઓ આતંકવાદીઓનો સામાન સંભાળી રહ્યા હતા. બાદમાં આતંકવાદીઓ તે જ સામાન લઈને ત્યાંથી ચાલ્યા ગયા.
ગયા મહિને, NIA એ આતંકવાદીઓને આશ્રય આપવા અને ટેકો આપવાના આરોપસર પરવેઝ અને બશીરની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ પરવેઝના ઘરે આવ્યા હતા. તેઓએ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા, પર્યટન સ્થળો, માર્ગો અને સમયપત્રક વિશે માહિતી એકત્રિત કરવામાં ચાર કલાક લગાવ્યા. જતા સમયે, તેઓએ પરવેઝની પત્ની પાસેથી મસાલા અને ચોખા પેક કર્યા અને તેને ૫૦૦ રૂપિયાની પાંચ નોટો આપી. આ પછી, તેઓ બશીરને મળ્યા અને તેને ૨૨ એપ્રિલના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યે ત્યાં પહોંચવાનું કહ્યું હતું.
સૂત્રો કહે છે કે આ હુમલામાં સામેલ એક આતંકવાદીની ઓળખ સુલેમાન શાહ તરીકે થઈ છે, જે ગયા વર્ષે એક ટનલ પ્રોજેક્ટમાં કામ કરતા ૭ કામદારોની હત્યામાં પણ સામેલ હતો. NIA હવે આ હુમલા પાછળના સમગ્ર નેટવર્ક, સ્થાનિક મદદગારો અને પાકિસ્તાની આતંકવાદી સંગઠનો સાથેના કનેક્શનની વિગતવાર તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લશ્કર-એ-તૈયબા સાથેના કનેક્શની પુષ્ટિ થઈ ચૂકી છે.