Last Updated on by Sampurna Samachar
બસના ડ્રાઇવર અને કેટલાક મુસાફરોને ઈજા પહોંચ્યાની માહિતી
બંદૂકધારીઓએ બસ પર કર્યો ગોળીબાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનમાં અજ્ઞાત બંદૂકધારીઓનો આતંક યથાવત જોવા મળ્યો છે. આ વખતે બંદૂકધારીઓનો આતંક પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં જોવા મળ્યો છે. સિંધ પ્રાંતમાં બંદૂકધારીઓએ બસમાં યાત્રા કરી રહેલા ૧૮ લોકોનુ અપહરણ કર્યુ છે. જે લોકોનુ અપહરણ કરવામાં આવ્યુ છે તેઓ બસ દ્વારા ક્વેટા જઇ રહ્યા હતા. અપહરણની આ ઘટના બાદ પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ આ ઘટના સિંધ પ્રાંતના ઘોટાકી વિસ્તારમાં નજીક બની છે. અજાણ્યા બંદૂકધારીઓએ આયોજનબદ્ધ રીતે આ ઘટનાને અંજામ આપ્યો. સિંધ અને પંજાબની સરહદ નજીક હાઇવે લિંક રોડ પર રાત્રિના સમયે બંદૂકધારીઓએ બસ પર ગોળીબાર કર્યો અને ત્યારબાદ ૧૮ લોકોને અપહરણ કરી લીધા. ગોળીબાર દરમિયાન બસના ડ્રાઇવર અને કેટલાક મુસાફરોને ઈજા પહોંચ્યાની પણ માહિતી છે.
બંદૂકધારીઓ ઘણા મુસાફરોને પોતાની સાથે લઈ ગયા
બસમાં મુસાફરી કરી રહેલી એક મહિલાએ જણાવ્યું કે ઘટનાસ્થળે આશરે ૨૦ હુમલાખોર હાજર હતા અને બધાના હાથમાં હથિયારો હતા. મહિલાના જણાવ્યા મુજબ તમામના ચહેરા ઢંકાયેલા હતા .હુમલાખોરોએ પુરુષ મુસાફરોને બસમાંથી ઉતરવા કહ્યું અને મહિલા મુસાફરોને કોઈ નુકસાન પહોંચાડ્યું નહીં. મહિલાએ જણાવ્યું કે બંદૂકધારીઓ ઘણા મુસાફરોને પોતાની સાથે લઈ ગયા.
પાકિસ્તાનમાં બસમાંથી ૧૮ લોકોના અપહરણ બાદ સિંધના ગૃહ મંત્રીના પ્રવક્તા જિયા ઉલ હસન લાંઝરે આ ઘટનાને દુ:ખદ ગણાવી છે. લાંઝરે જણાવ્યું કે ડ્રાઇવર અને કંડક્ટર ઉપરાંત બસમાં આશરે ૩૦ મુસાફરો સવાર હતા. હાલ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.