Last Updated on by Sampurna Samachar
અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિનની મુલાકાત અંગે ચર્ચા
ભારતનુ યુક્રેન વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા સતત આહ્વાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલમાં જ ૧૫મી ઓગસ્ટે અલાસ્કામાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને મુલાકાત કરી હતી. આ બેઠકમાં યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા અંગે ચર્ચા કરવામાં આવી. ટ્રમ્પ સાથે મુલાકાત બાદ પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી છે. તથા ટ્રમ્પ સાથે થયેલી વાતચીત મુદ્દે બંને દેશના નેતાઓએ ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું, કે ભારત પહેલેથી જ યુક્રેન સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા હાંકલ કરી રહ્યું છે. આ સંદર્ભમાં તમામ પ્રયાસોને અમારો ટેકો રહેશે.
PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, મારા મિત્ર, પ્રમુખ પુતિનને ફોન કૉલ તેમજ અલાસ્કામાં પ્રમુખ ટ્રમ્પ સાથે તેમની તાજેતરની મુલાકાત વિશે માહિતી આપવા બદલ આભાર. ભારત યુક્રેન વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા સતત આહ્વાન કરે છે. આ સંદર્ભે તમામ પ્રયાસોનું સમર્થન કરે છે. આગામી દિવસોમાં હું સતત આદાન-પ્રદાનની અપેક્ષા રાખુ છું. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગ સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી છે. ભારત-રશિયા વિશેષાધિકાર પ્રાપ્ત કરવાની રાજકીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.
રશિયા સાથે ભારતના સંબંધો વધુ ગાઢ બન્યા
અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિન સમિટના ત્રણ દિવસ બાદ વડાપ્રધાન મોદી સાથે પુતિને વાતચીત કરી છે. આ સમિટ યુક્રેન યુદ્ધના સીઝફાયર ડીલ વિના જ પૂર્ણ થઈ હતી. આ ફોન કોલ બાદ વડાપ્રધાન મોદીએ ખાતરી આપી હતી કે, ભારત યુક્રેન યુદ્ધનો શાંતિપૂર્ણ ઉેકલ લાવવા ભલામણ કરી રહ્યું છે. શાંતિ મંત્રણા માટે ભારત જરૂરી તમામ પ્રયાસો કરવા અને સમર્થન આપવા તત્પર છે.
વડાપ્રધાન મોદીએ અગાઉ આઠ ઓગસ્ટના રોજ પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તે દરમિયાન પુતિને યુક્રેન સાથે જોડાયેલા વર્તમાન ઘટનાક્રમો વિશે માહિતી આપી હતી. તેમજ ભારતની સ્થાયી નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો કે, કોઈ પણ સંઘર્ષનું સમાધઆન શાંતિપૂર્ણ સંવાદ અને વ્યૂહનીતિ દ્વારા જ સંભવ છે. અહેવાલ છે કે, પુતિન આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારા ૨૩માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં સામેલ થશે. અગાઉ પુતિન ડિસેમ્બર, ૨૦૨૧માં ભારતની મુલાકાતે આવ્યા હતા.
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ભારતના રશિયા સાથેના ક્રૂડ સહિતના વેપાર સંબંધોમાં તિરાડ પાડવા માટે દબાણ બનાવી રહ્યા છે. ટ્રમ્પે યુક્રેન યુદ્ધવિરામ માટે રશિયા પર દબાણ લાવવા વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં તેમણે હાલમાં જ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર કુલ ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે. વધુમાં વેપાર પ્રતિબંધો નહીં મૂકે તો પેનલ્ટી લાદવાની ચીમકી પણ આપી છે. જોકે, ભારતે અમેરિકાની ટેરિફ નીતિ સામે ઝૂકવાનો ઈનકાર કર્યો છે. તે રશિયા સાથે પોતાના સંબંધો વધુ ગાઢ બનાવી રહ્યું છે.