Last Updated on by Sampurna Samachar
બેઠક દરમિયાન તેજસ્વી યાદવ ભાવુક થયા
આ અંગે હજુ સુધી જાહેરમાં કોઈ નિવેદન આપ્યું નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
લાલુ પ્રસાદ યાદવની પાર્ટી RJD માટે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર સ્વીકારવી મુશ્કેલ બની રહી છે. જોકે તેમના પુત્ર તેજસ્વી યાદવની ફરીથી RJD ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી થઈ છે, તેમ છતાં પાર્ટીમાં પરિસ્થિતિ સામાન્ય જણાતી નથી. ધારાસભ્ય દળની બેઠક દરમિયાન તેજસ્વી યાદવ ભાવુક થઈ ગયા હતા, જ્યાં તેમણે પોતાની તરફથી એવું પણ સૂચન કર્યું કે જો ધારાસભ્યો ઈચ્છે તો તેઓ નેતૃત્વ છોડવા તૈયાર છે.

તેમણે કહ્યું કે ધારાસભ્યોની સલાહ હોય તો તેઓ તેમના નેતા તરીકે કોઈ અન્ય વ્યક્તિને પસંદ કરી શકે છે. સાથી ધારાસભ્યોને સંબોધતા તેમણે સ્પષ્ટ કર્યું કે જો તેમને લાગે કે તેમના સ્થાને કોઈ બીજું વ્યક્તિ આવવાથી સંગઠન વધુ મજબૂત બની શકે છે, તો તેઓ આવું કરી શકે છે.
આપણે EVM સામે લડત આપવી પડશે
મીડિયા રિપોર્ટ અનુસાર, એક ધારાસભ્યએ જણાવ્યું કે તેજસ્વી યાદવ ટિકિટની વહેંચણી અને હાર માટે લાગેલા આરોપોથી ખૂબ દુ:ખી હતા. બેઠક દરમિયાન, તેમણે નિરાશા વ્યક્ત કરતા પૂછ્યું કે, ‘આખરે હું શું કરું? મારે પરિવારની કાળજી લેવી કે પછી પાર્ટીની?‘ એવું લાગે છે કે બહેન રોહિણી આચાર્યએ લગાવેલા આરોપોને કારણે તેજસ્વી યાદવ હાલમાં દબાણ હેઠળ છે.
જોકે, તેમણે આ અંગે હજુ સુધી જાહેરમાં કોઈ નિવેદન આપ્યું નથી. તેમના સલાહકાર અને નજીકના ગણાતા સંજય યાદવ અને રમીઝ નેમત ખાન પર પણ એવા આરોપો છે કે તેજસ્વી યાદવ માત્ર તેમની જ વાત સાંભળે છે અને આ કારણે તે પાર્ટીના કાર્યકર્તાઓથી વિખૂટા પડી ગયા છે.
તેજસ્વી યાદવ દ્વારા અચાનક મૂકવામાં આવેલી આ દરખાસ્તને કારણે બેઠકનો માહોલ ભાવુક બની ગયો. ત્યાં હાજર તમામ ધારાસભ્યોએ તેમને આગ્રહ કર્યો કે તે પોતે જ તેમના નેતા બની રહે. આ પરિસ્થિતિમાં ખુદ લાલુ યાદવે હસ્તક્ષેપ કર્યો અને ધારાસભ્યોને તેજસ્વીને મનાવવા માટે કહ્યું. અંતે, તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી તેજસ્વી યાદવને તેમના નેતા તરીકે ફરીથી ચૂંટી લીધા.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન રાબડી દેવી, મીસા ભારતી અને તેજસ્વી યાદવના નજીકના સંજય યાદવ પણ ત્યાં હાજર હતા. ઉલ્લેખનીય છે કે મીસા ભારતી પણ અસંતુષ્ટ હોવાનું કહેવાય છે, પરંતુ તે જાહેરમાં કંઈ કહી રહ્યા નથી. વાસ્તવિકતા એ છે કે આરજેડીએ આ ચૂંટણીમાં ૧૪૩ બેઠકો પર ઉમેદવારી કરી હોવા છતાં તેને માત્ર ૨૫ બેઠકો મળી છે. આ પરિણામોને કારણે તે ત્રીજા નંબરનો પક્ષ બની ગઈ છે, જે પાર્ટી માટે એક મોટો આંચકો ગણાય છે.
મીટિંગ દરમિયાન EVM પર સવાલો ઉઠાવવામાં આવ્યા અને એવો આક્ષેપ કરવામાં આવ્યો કે, ‘આ પરિણામો ગેરરીતિ દ્વારા જ આવ્યા છે.‘ આ અગાઉ, ૨૦૧૦માં RJD ને માત્ર ૨૨ બેઠકો મળી હતી, જેના કારણે તેમને વિપક્ષના નેતાનું પદ પણ મળ્યું ન હતું. જોકે, આ વખતે તેજસ્વી યાદવ વિપક્ષના નેતા બનવામાં સફળ રહ્યા છે.
તેજસ્વી યાદવને નેતા તરીકે ચૂંટવાની બેઠકમાં જગદાનંદ સિંહે સ્પષ્ટપણે કહ્યું કે, ‘પાર્ટીની આ હાર ઈફસ્ને કારણે થઈ છે. આ મશીનોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.‘ ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રે પણ તેમની આ દલીલને ટેકો આપ્યો. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘આપણે EVM સામે લડત આપવી પડશે અને માંગણી કરવી જોઈએ કે ચૂંટણીઓ ફક્ત બેલેટ પેપર દ્વારા જ યોજાય.