Last Updated on by Sampurna Samachar
છેલ્લી વાર જુલાઈ ૨૦૨૨માં બિલ જમા કરાયુ હતુ
રાજ્યમાં દર વર્ષે લાખો સામાન્ય ગ્રાહકોના કનેક્શન કપાય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવના વીજળી બિલનો એક મામલો સામે આવ્યો છે. પટનાના બેઉર વિસ્તારમાં આવેલા તેજ પ્રતાપના ખાનગી નિવાસસ્થાનનું વીજળી કનેક્શન છેલ્લા ૩ વર્ષથી બાકી રકમ હોવા છતાં ચાલુ છે. વીજળી વિભાગના નિયમો પર સવાલ ઉઠાવી રહેલો આ મામલો હવે ચર્ચાનો વિષય બન્યો છે.

વીજળી વિભાગના જણાવ્યા મુજબ, તેજ પ્રતાપના બેઉરના પોશ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાનનું વીજળી કનેક્શન ઘરેલું શ્રેણીનું છે. વીજળી વિભાગના રેકોર્ડ અનુસાર, છેલ્લી વાર જુલાઈ ૨૦૨૨માં બિલ જમા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માસિક બિલની અવગણનાને કારણે બાકી રકમ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વધીને રૂ. ૩,૫૬,૦૦૦ થી વધુ થઈ ગઈ છે. તેજ પ્રતાપના આવાસનું સરેરાશ માસિક વીજ વપરાશ લગભગ ૫૦૦ યુનિટ છે, જે તેમની લક્ઝરી લાઇફસ્ટાઇલ દર્શાવે છે.
શું ધનિકો અને VIP લોકો માટે નિયમો અલગ હોય ?
બિહાર વીજળી વિભાગના સખ્ત નિયમો અનુસાર, જો વીજળીનું બિલ રૂ. ૨૫૦૦૦થી વધુ બાકી હોય, તો ૭ દિવસની નોટિસ આપીને કનેક્શન કાપી નાખવામાં આવે છે. રાજ્યમાં દર વર્ષે લાખો સામાન્ય ગ્રાહકોના કનેક્શન આ જ નિયમ હેઠળ કાપવામાં આવે છે. જોકે, તેજ પ્રતાપ યાદવના કેસમાં ૩.૫ લાખથી વધુનું બિલ બાકી હોવા છતાં કનેક્શન કાપવામાં આવ્યું નથી.
વીજળી વિભાગના સૂત્રો અનુસાર, રાજકીય દબાણ અથવા ફાઇલોમાં વિલંબને કારણે મામલાઓમાં કાર્યવાહી ધીમી થવાના આરોપો છે, જે આ કેસમાં સાબિત થાય છે. વીજળી વિભાગના તાજેતરના વસૂલી અભિયાન દરમિયાન જ તેજ પ્રતાપના આવાસ પર આટલું મોટું બિલ બાકી હોવાની પોલ ખૂલી હતી. સમગ્ર રાજ્યમાં રૂ.૫૦૦૦ કરોડથી વધુની બાકી રકમ પડતર છે. વીજળી વિભાગે હવે આ મામલે તરત નોટિસ જાહેર કરવાનો ર્નિણય લીધો છે.
તેજ પ્રતાપ યાદવને આગામી ૧૫ દિવસમાં રૂ. ૩.૫૬ લાખની બાકી રકમ ચૂકવવાનો અથવા હપ્તામાં ચૂકવવાનો વિકલ્પ આપવામાં આવશે. જો આમ કરવામાં નહીં આવે તો નિયમ મુજબ તેમનું કનેક્શન કાપી નાખવામાં આવશે.વીજળી વિભાગના એક અધિકારીએ કહ્યું કે, રાજકીય વ્યક્તિ હોવાથી કોઈ છૂટ મળી શકે નહીં અને બિલ જમા ન કરાવવા પર વિભાગ કાયદાકીય કાર્યવાહી કરશે.
જોકે, આ સમગ્ર મામલે તેજ પ્રતાપ યાદવ તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા કે નિવેદન આવ્યું નથી, પરંતુ આ ઘટના આમ જનતામાં ચર્ચાનો વિષય બની છે કે શું ધનિકો અને VIP લોકો માટે નિયમો અલગ હોય છે.