Last Updated on by Sampurna Samachar
પતંગની દોરી વચ્ચે આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો
કિશોર પિતા સાથે બહાર ગયો તે દરમિયાન બની ઘટના
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે બાળકો અત્યારથી જ પતંગ ચગવતા જોવા મળી રહ્યા છે. આવામાં પતંગની દોરીથી અકસ્માત સર્જાવાના ઘણા કિસ્સા પણ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. સુરત જિલ્લાના ડિંડોલીમાં એક કિશોર બાઈક પર સવાર થઈને મુસાફરી કરી રહ્યો હતો. આ દરમિયાન પતંગની દોરી વચ્ચે આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જે કારણે તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના ડિંડોલીમાં પતંગની દોરીના કારણે બાઇક પર જતા કિશોર ઈજાગ્રસ્ત થયો હતો. ૧૩ વર્ષીય કિશોરને પતંગની દોરી વાગતા ઘાયલ થયો હતો, જે કારણે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કિશોરને ગંભીર ઇજા થતા ૧૦ ટાંકા લેવાની ફરજ પડી હતી. આ કિશોર બાઈક પર પિતા સાથે નાસ્તો લેવા જઈ રહ્યો હતો.
ઉત્તરાયણ દરમિયાન મુસાફરી કરતી વખતે ધ્યાન રાખવાની બાબતો
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણના તહેવાર પર પતંગની દોરીથી બચવા માટે બાઈક પર સેફ્ટી ગાર્ડ લગાવવું જરૂરી છે, જે તમને અનિચ્છનીય બનાવથી બચાવશે. પતંગની દોરીથી થતી દુર્ઘટનાઓને ટાળવા માટે કેટલાક મહત્વપૂર્ણ સુરક્ષા સૂચનો
બાઇક કે સ્કૂટર પર મુસાફરી કરતી વખતે હેલ્મેટની સાથે ગળાને ઢાંકતા સ્કાર્ફ, મફલર અથવા નેક ગાર્ડનો ઉપયોગ કરો.
કેટલાક લોકો વાહનો પર મેટલ યુ-ગાર્ડ પણ લગાવે છે જે દોરીથી બચાવે છે.
ઉતરાયણ અને તેની આસપાસના દિવસોમાં વાહન ધીમે ચલાવો, ખાસ કરીને ખુલ્લા વિસ્તારોમાં કે જ્યાં પતંગ ઉડાડવામાં આવતા હોય.
આજુબાજુ ધ્યાન રાખો અને શંકાસ્પદ દોરી દેખાય તો તરત જ વાહન ધીમું કરો.
બાળકોને ખુલ્લામાં કે છત પર એકલા પતંગ ઉડાડવા ન દો. હંમેશા કોઈ વડીલ તેમની સાથે રહે.
બાળકોને બાઇક પર આગળ ઉભા રાખીને બેસાડવાનું ટાળો, કારણ કે તેમને દોરી વાગવાની શક્યતા વધુ હોય છે.
ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં તેનો ઉપયોગ થાય છે. આ દોરી અત્યંત ઘાતક હોય છે અને તેનાથી ગંભીર ઇજાઓ થઈ શકે છે.
આવી દોરીનો ઉપયોગ ન કરો અને જો કોઈ વેચતું હોય તો તેની જાણ કરો.
ખાસ કરીને બ્રિજ, ફ્લાયઓવર અને ખુલ્લા રસ્તાઓ પર વધુ સાવચેત રહો.
મોબાઇલ ફોન પર વાત કરવાનું કે અન્ય કોઈ વિક્ષેપ ટાળો, જેથી તમારું ધ્યાન રસ્તા પર રહે.
જાે કોઈને પતંગની દોરીથી ઇજા થાય, તો તરત જ વાહન રોકો અને ૧૦૮ પર ફોન કરીને તાત્કાલિક તબીબી સહાય માટે સંપર્ક કરો.
તમારા પરિવાર અને મિત્રોને પણ આ સુરક્ષા સૂચનો વિશે માહિતગાર કરો.