Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાન ક્રિકેટ બોડના ચેરમેને ચેમ્પિયનસ ટ્રોફી માટે કરી રાત-દિવસ મહેનત
પાકિસ્તાનના સ્ટેડિયમના નવિનીકરણ પાછળ ખર્ચ્યા કરોડો રૂપિયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ની પહેલી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. આ નોકઆઉટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ૪ વિકેટથી જોરદાર વિજય મેળવ્યો હતો. આ સાથે ભારતીય ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અને પાકિસ્તાનની છેલ્લી ખુશી પણ છીનવી લીધી છે. યજમાન હોવા છતાં પાકિસ્તાન (PAKISTHAN) આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ તેના દેશમાં યોજી શકશે નહીં. ૨૯ વર્ષ પછી ICC ઇવેન્ટનું આયોજન કરી રહેલા પાકિસ્તાને લાહોરમાં ટાઇટલ મેચનું સપનું જોયું હતું, પરંતુ હવે તે દુબઈમાં રમાશે.
પાકિસ્તાન ક્રિકેટ બોડના ચેરમેન મોહસીન નકવીએ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫નું આયોજન કરવા માટે દિવસ-રાત મહેનત કરી હતી. બોર્ડે ટુર્નામેન્ટ માટે ૩ સ્ટેડિયમ તૈયાર કરવા માટે લગભગ ૧૮૦૦ કરોડ પાકિસ્તાની રૂપિયા ખર્ચ્યા હતા. આ કામ પૂર્ણ કરવામાં લગભગ ૧૧૭ દિવસ લાગ્યા હતા. આમાં સૌથી વધુ પૈસા લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ પર ખચર્વામાં આવ્યા હતા કારણ કે ફાઇનલ મેચ અહીં યોજાવાની હતી. એટલા માટે બોર્ડે ૧૮૦૦ કરોડ રૂપિયામાંથી લગભગ ૧૦૦૦ કરોડ પાકિસ્તાની રૂપિયા ફક્ત આ સ્ટેડિયમના નવીનીકરણમાં જ ખર્ચ્યા હતા. પણ આ બધું કોઈ કામનું નહોતું.
PCB ચેરમેન અને પાકિસ્તાની PM ના સપના થયા ચકનાચૂર
આટલી મહેનત અને ખર્ચ પછી PCB ચેરમેન મોહસીન નકવી અને પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફે સપનું જોયું હતું કે તેમની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ટાઇટલ મેચ લાહોરમાં રમશે. તેણે પોતાના ખેલાડીઓને ફરીથી ટ્રોફી ઉપાડવાનું પણ કહ્યું હતુ. પણ ફાઇનલની વાત તો ભૂલી જાઓ, પાકિસ્તાની ટીમ અહીં એક પણ મેચ રમી શકી નહીં. ગ્રુપ સ્ટેજમાં તેની એક પણ મેચ લાહોરમાં નહોતી.
તેમણે વિચાર્યું હતું કે તે સરળતાથી સેમિફાઇનલમાં પહોંચી જશે અને લાહોરમાં મેચ રમશે પરંતુ તે પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ. આ પછી તેમની પાસે એક છેલ્લી ખુશી બાકી હતી કે પોતાના દેશમાં ફાઇનલનું આયોજન થાય પરંતું તે પણ ભારતીય ટીમે છીનવી લીધી છે. ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય તે પહેલાં ICC એ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરી દીધો હતો. બોર્ડે ભારત સરકાર તરફથી પરવાનગી ન મળવાનું કારણ આપ્યું હતું.
ઘણા વિવાદો પછી આ ટુર્નામેન્ટને હાઇબ્રિડ મોડલ પર યોજવાનો ર્નિણય લેવામાં આવ્યો. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયાની બધી મેચ દુબઈમાં શિડ્યૂલ કરી હતી. આ દરમિયાન એવું નક્કી કરવામાં આવ્યું કે જે પણ ટીમ ભારત સામે રમશે, તેણે દુબઈ જવું પડશે.
આ કારણોસર ગ્રુપ- A ની ટીમો સિવાય ગ્રુપ- B માંથી સેમિફાઇનલ માટે ક્વોલિફાય થયેલી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને એકસાથે દુબઈ જવું પડ્યું. બાદમાં જ્યારે પોઈન્ટ ટેબલના આધારે નક્કી થયું કે સેમિફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે, ત્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ લાહોર પાછી ફરી હતી. આ મેચ જીતનારી ટીમ ફાઇનલ માટે દુબઈ જશે.