Last Updated on by Sampurna Samachar
૭૭ રન ફટકારનારો ઈશાન કિશન મેન ઓફ ધ મેચ બન્યો
પાકિસ્તાને ૨૦૨૧ માં ભારત સામે એકમાત્ર T20 વર્લ્ડ કપ મેચ જીતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
T20 વર્લ્ડ કપ ૨૦૨૬ ની ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ-વેલ્ટેજ મેચમાં ભારત સામે પાકિસ્તાનને કારમી હાર મળી છે. આ સાથે જ ભારતીય ટીમે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે આઠ મેચ જીતી લીધી છે. આ કોઈ એક ટીમ સામે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ જીતનો રેકોર્ડ છે.

ભારતે અત્યાર સુધીમાં પાકિસ્તાન સામે કુલ નવ મેચ રમી છે, જેમાંથી આઠમાં જીત હાંસલ કરી છે. ભારતે આમાંથી એક મેચ સુપર ઓવરમાં જીતી હતી. બીજી તરફ પાકિસ્તાને ૨૦૨૧ માં ભારત સામે પોતાની એકમાત્ર T20 વર્લ્ડ કપ મેચ જીતી છે.
ભારતની ૬૧ રનથી ભવ્ય જીત થઈ
T20 વર્લ્ડ કપમાં કોઈ વિરોધી ટીમ સામે સૌથી વધુ જીત હાંસલ કરવાના મામલે ઓસ્ટ્રેલિયા (vs બાંગ્લાદેશ), પાકિસ્તાન (vs બાંગ્લાદેશ), શ્રીલંકા (vs વેસ્ટ ઈન્ડિઝ) અને વેસ્ટ ઈન્ડિઝ (vs ઇંગ્લેન્ડ) સંયુક્ત રીતે બીજા સ્થાને છે.
આ મહામુકાબલો શ્રીલંકાના કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયો હતો. જ્યાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી. ભારતે પહેલા બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાન પર ૧૭૫ રન બનાવ્યા હતા.

ભારતે પાકિસ્તાનને ૧૭૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ ૧૮ ઓવરમાં માત્ર ૧૧૪ રન પર ઓલઆઉટ થઈ ગઈ. આમ, ભારતની ૬૧ રનથી ભવ્ય જીત થઈ છે. આ જીત સાથે જ ભારતીય ટીમ સુપર-૮માં પણ ક્વોલિફાય કરી ગઈ છે. ૭૭ રન ફટકારનારો ઈશાન કિશન મેન ઓફ ધ મેચ બન્યો છે.
T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં સતત ત્રીજી જીત સાથે ભારતીય ટીમે સુપર-૮ માટે ક્વોલિફાય કરી લીધું છે. ટીમ ઈન્ડિયાએ USA સામેની પોતાની પહેલી મેચ ૨૯ રનથી જીતી હતી. ત્યારબાદ નામિબિયાને ૯૩ રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ હવે ૧૮ ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે પોતાની છેલ્લી ગ્રુપ મેચ રમશે.
ભારત સામે મળેલી આ કારમી હાર સાથે જ પાકિસ્તાન ગ્રુપ છ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને સરકી ગયું છે. નેધરલેન્ડ અને USA ને હરાવ્યા બાદ પાકિસ્તાન ભારત સામે પોતાનો મુકાબલો હારી ગયું. હવે પાકિસ્તાનથી ઉપર USA ની ટીમ છે, જેણે ૪માંથી બે મેચ પોતાના નામે કરી છે. હવે પાકિસ્તાનને સુપર-૮માં પહોંચવા માટે નામિબિયા સામેનો પોતાનો મુકાબલો જીતવો પડશે. આ મેચ ૧૮ ફેબ્રુઆરીએ રમાશે.