Last Updated on by Sampurna Samachar
સ્યુસાઇડ નોટમાં કામના બોજ, અધિકારીઓ દ્વારા થતી સતામણીનો ઉલ્લેખ
ટ્રેનની નજીક પહોંચતા જ રેલ્વે લાઇન પર કૂદ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના જયપુર જિલ્લામાં મતદાર સૂચિના SIR કાર્યક્રમના દબાણે એક સમર્પિત BLO ની જિંદગી છીનવી લીધી. ઝોટવાડા વિસ્તારના નાહરીના બાસ સરકારી સ્કૂલમાં તૈનાત શિક્ષક અને BLO મુકેશચંદ જાંગિડ (૪૮) એ સવારે બિન્દાયકા રેલવે ફાટક પર ટ્રેન આગળ કૂદીને જીવ દઈ દીધો. તેમના ખિસ્સામાંથી મળી આવેલી સ્યૂસાઈડ નોટમાં SIR ના કામના બોજ, અધિકારીઓ દ્વારા થતી સતામણી અને સસ્પેન્શનની ધમકીઓનો ઉલ્લેખ છે.

આ ઘટના શિક્ષણ વિભાગમાં કાર્યભાર અને માનસિક દબાણ પર સવાલ ઊભા કરી રહી છે. કાલવાડ રોડ સ્થિત ધર્મપુરાના રહીશ મુકેશચંદ બાઈકથી બિંદાયકા ફાટક પહોંચ્યા ત્યારે ફાટક બંધ હતો. બિંદાયકા સ્ટેશનથી આવતી ટ્રેનની નજીક પહોંચતા જ તેમણે બાઈક ત્યાં ઊભી રાખીને રેલવે લાઈન પર કૂદી ગયા.
કલેક્ટરે પરિવારને ૫ લાખ રૂપિયાની મદદ કરશે
સૂચના મળતા જ બિંદાયકા પોલીસ મથકથી પોલીસકર્મી તરત ત્યાં પહોંચી ગયા. મૃતદેહને એસએમએસ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ પરિજનોને સોંપી દેવાયો. પોલીસે જણાવ્યું કે સ્યૂસાઈડ નોટમાં તારાચંદ બુનકર નામના અધિકારી પર સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. મુકેશચંદ ૧૧ વર્ષથી ઉત્કૃષ્ટ BLO તરીકે સેવા આપતા હતા અને તેમની સામે અગાઉ કોઈ પૂર્વ દંડાત્મક કાર્યવાહી થઈ નથી.
મુકેશચંદના ભાઈ ગજાનંદ જાંગિડે જણાવ્યું કે, “સૂચના મળતા જ અમે ફાટક પહોંચી ગયા. મુકેશના એક ખિસ્સામાંથી પૈસા-ચાવીઓ અને બીજી ખિસ્સા ખિસ્સામાંથી સ્યૂસાઈડ નોટ મળી. નોટમાં SIR નું સતત દબાણ, કામ ન કરવા પર સસ્પેન્શનની ધમકીનો ઉલ્લેખ હતો. તેઓ સારા શિક્ષક હતા, પરંતુ બોજાએ તોડી નાખ્યા. પોલીસે આ નોટ જપ્ત કરી લીધી પરંતુ ફોટો લેવાની મંજૂરી ન આપી.”
પરિવારમાં પત્ની મીના દેવી, દીકરીઓ અન્નુ અને જ્યોતિ તથા પુત્ર અંશુ છે. પિતા નાનગરામના ઘરે મૃતદેહ પહોંચતા જ કોહરામ મચી ગયો. પરિજનોએ રોકકળ મચાવી હતી.
શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, “મુકેશ અમારા શ્રેષ્ઠ BLO હતા. જો આરોપ સિદ્ધ થાય તો અલગથી તપાસ થશે”. આ ઘટના SIR જેવા કાર્યક્રમોમાં શિક્ષકો પર વધતા દબાણને ઉજાગર કરે છે. જ્યાં ડેટા એન્ટ્રી, રિપોર્ટિંગ અને વધારાની જવાબદારીઓ માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરી રહી છે. શિક્ષણ સંગઠનોએ વિભાગ પાસે માનસિક સહાયતા હેલ્પલાઈન શરૂ કરવાની માંગણી કરી. જિલ્લા કલેક્ટરે પરિવારને ૫ લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી. મુકેશચંદના અંતિમ સંસ્કાર સોમવારે થશે.