રાજસ્થાનના બાંસવાડાની ઘટના
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના બાંસવાડાથી હચમચાવી નાખે એવા સમાચાર આવ્યા છે. અહીં ઝેરી ચા પીધા બાદ એક જ પરિવારના ૩ સભ્યોના દુઃખદ અવસાન થયા છે. બાંસવાડાના આંબાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના નલદા ગામમાં ઝેરી ચા પીવાથી એક જ પરિવારના ૩ સભ્યોના મૃત્યુ નિપજ્યા છે. મૃતકોમાં સાસુ, પૂત્રવધુ અને પૌત્ર સામેલ છે. આમાંથી સાસુનું મોત બાંસવાડાની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં થયું છે, જ્યારે પૂત્રવધુ અને પૌત્રના મોત ઉદયપુરની મહારાણા ભૂપાલ હોસ્પિટલમાં થયા છે.
સમગ્ર ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો બાંસવાડા જિલ્લાના નલદા ગામમાં બપોરે ચા પીધા બાદ એક જ પરિવારના ૬ લોકોને ઝાડા-ઉલટી થઈ ગયા હતા. જે બાદ તમામ લોકો બેભાન થઈ ગયા હતા. જે બાદ તેઓને પરિવારના અન્ય સભ્યો દ્વારા તાત્કાલિક બાંસવાડાની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૩ લોકોની હાલત ગંભીર હોવાથી તેઓને તાત્કાલિક ઉદયપુર રીફર કરવામાં આવ્યા હતા.આ વચ્ચે બાંસવાડાની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ ૬૦ વર્ષીય વૃદ્ધા દરિયા દેવીનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. ત્યારબાદ ઉદયપુરની હોસ્પિટલમાં પૂત્રવધુ અને પૌત્રનું પણ અવસાન થયું હતું. જ્યારે બાકીના ત્રણ લોકોની તબિયત હવે સારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આમાંથી એકની ઉદયપુરની હોસ્પિટલમાં અને ૨ લોકોની બાંસવાડાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુના સમાચારથી નલદા ગામમાં માતમ છવાયો છે. પોલીસે ત્રણેય મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવીને તેને તેમના પરિવારજનો સોંપી દીધા છે. હજુ સુધી એક જ પરિવારના ૩ સભ્યોના મોતનું અસલી કારણ જાણી શકાયું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં આ વાતની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચા બનાવતી વખતે તેમાં ચાની ભુક્કીને બદલે ઝેરી દવા નાખવામાં આવી હતી.
આ દવા કઈ હતી, તેના વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ આ દવા દેખાવમાં ચાની ભુક્કી જેવી જ હતી. આ દવા કપાસની હોઈ શકે છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું અસલી કારણ જાણવા મળશે.થઈ ગયા હતા.