Last Updated on by Sampurna Samachar
અકસ્માતે રાજ્યભરમાં ઉહાપોહ મચાવ્યો હતો
સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યો તથ્ય પટેલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના ઇસ્કોન બ્રિજ તથ્ય પટેલે (TATHY PATEL) સર્જેલા અકસ્માતમાં ૯ લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. જે મામલે હવે આરોપી તથ્ય પટેલે હાઈકોર્ટમાં કેસમાંથી મુક્તિ મેળવવા અરજી કરી છે. ડિસેમ્બર, ૨૦૨૪માં તથ્ય પટેલે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.

૧૯મી જુલાઈની રાત્રે પોતાની જગુઆર કારથી તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ૯ લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા અને ૧૩ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અગાઉ તેને હંગામી ધોરણે જામીન આપવામાં આવ્યા હતા.
કેસમાંથી છુટકારો મળી જાય તેવી અરજી કરાઇ
હાઈકોર્ટમાં જામીન માંગનાર તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માતે રાજ્યભરમાં ઉહાપોહ મચાવ્યો હતો. આ કેસ લાંબો સમય સુધી ચર્ચામાં રહ્યો હતો. જગુઆર કારથી અકસ્માત સર્જનાર તથ્ય પટેલ અને તેના પિતા સામે પણ અનેક ગુના નોંધાયા હતા.
દરમ્યાન સાબરમતી જેલમાં સજા ભોગવનાર આરોપી તથ્ય પટેલ દ્વારા હાલમાં કેસમાંથી છુટકારો મળી જાય તેવી અરજી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેરમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ખંડણી, દુષ્કર્મ અને ઠગાઈ જેવા અનેક ગુનાઓ નોંધાયા છે.
માહિતી મુજબ રાણીપ પોલીસ, સોલા પોલીસ, શાહપુર પોલીસ, ડાંગ પોલીસ, મહેસાણા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને મહિલા પોલીસ સ્ટેશનમાં ૧ – ૧ કેસ નોંધાયા છે. શહેર પોલીસે અગાઉ જણાવ્યું હતું કે, ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે દુષ્કર્મ, છેતરપિંડી, ખંડણી સહિત ૮ કેસ નોંધાયેલા છે. તેની સામે સોલા પોલીસ સ્ટેશનમાં ૨, શાહપુર પોલીસ સ્ટેશનમાં ૧, રાણીપ પોલીસ સ્ટેશનમાં ૧, ક્રાઈમ બ્રાન્ચમાં ૧, મહિલા ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ૧, ડાંગ પોલીસ સ્ટેશનમાં ૧ અને મહેસાણા પોલીસ સ્ટેશનમાં ૧ ફરિયાદ નોંધાયેલી છે.
તથ્ય પટેલના પિતાએ અગાઉ કેન્સરની સારવાર માટે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાંથી પણ જામીન માગ્યા હતા જે બાદ પ્રજ્ઞેશ પટેલને ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા હતા. અમદાવાદના ઈસ્કોન ઓવરબ્રિજ પર અકસ્માત સર્જી ૯ લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે કોર્ટમાં હંગામી જામીન અરજી કરી હતી. જેને ગુજરાત હાઈકોર્ટે અગાઉ ફગાવી દીધી હતી. ગ્રામ્ય કોર્ટના ઓર્ડર છતાં તપાસ માટે કેન્સર હોસ્પિટલ જવાનો પ્રજ્ઞેશ પટેલે ઈનકાર કર્યો હતો. તેથી કોર્ટે હંગામી જામીન અરજી ફગાવી હતી. જોકે હવે તેની જામીન અરજી મંજુર કરવામાં આવી હતી.